સોનુ મોંઘુ થતા જ્વેલેરી માગ ૬થી૮ % ઘટવાની શક્યતા: ICRA

સોનાના ઊંચા ભાવ અને નબળી માગને કારણે ૨૦૧૯-૨૦માં ઝવેરાતની માગમાં ૬થી૮ ટકાનો ઘટાડો થવાની ધારણા એક અહેવાલમાં વ્યક્ત કરાઈ છે. ”એકંદરે અમારા અંદાજ અનુસાર ૨૦૧૯-૨૦માં સોનાના ઊંચા ભાવ અને મર્યાદિત ઘરાકીને કારણે ઝવેરાતની માગમાં જથ્થાની દૃષ્ટિએ છ થી આઠ ટકાનો ઘટાડો થશે.” એમ રેટિંગ એજન્સી ઈક્રાએ તેના અહેવાલમાં જણાવ્યું છે.

આમ પણ છેલ્લાં પાંચ વર્ષથી દેશમાં ઝવેરાતની માગ નબળી રહી છે. કાળાં નાણાંને નાથવા માટે લેવાયેલાં પગલાં, ઉદ્યોગમાં સત્તાવાર કામકાજનું પ્રમાણ વધારવાના પ્રયાસો અને અન્ય અસ્ક્યામતોના મુકાબલે સોનાએ આપેલા ઓછા વળતરને કારણે આભૂષણોની ખરીદી ઓછી થઈ ગઈ છે.

આભૂષણોની ખરીદી આમ તો આખું વરસ ચાલતી હોય છે. પણ લગ્નસરા, અક્ષય તૃતીયા અને તહેવારોના દિવસોમાં સોનું વધુ ખરીદાય છે. ૨૦૧૭-૧૮માં ૮.૯ ટકા વધ્યા પછી ૨૦૧૮-૧૯માં સોનાના ભાવમાં વધારો, શુકનિયાળ દિવસોની ઓછી સંખ્યા અને હીરા ઝવેરાત ઉદ્યોગને મળતા બેન્ક ધિરાણમાં કપાતને કારણે આભૂષણોની માગ વધી શકી ન હતી.

આભૂષણોની બજાર ભાવની વધઘટ પ્રત્યે સંવેદનશીલ હોવાથી સોનાના ભાવ વધે ગ્રાહકો ખરીદી મુલતવી રાખી દેતા હોય છે. હાલમાં ચીન-અમેરિકા વચ્ચેનો વેપાર સંઘર્ષ, ડોલરની નબળાઈ, ફેડરલ રિઝર્વ દ્વારા કરાયેલા દર ઘટાડા, આર્થિક મંદી, પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તંગદિલી અને સંખ્યાબંધ દેશોની મધ્યસ્થ બેન્કોએ તેમના અનામત ભંડારો માટે કરેલી સોનાની ખરીદીને કારણે સોનાના ભાવ અનેક વર્ષોની ઊંચાઈએ છે. ગયે વર્ષે એપ્રિલ-મેમાં સોનાના ભાવમાં તાત્પૂરતો ઘટાડો અને શુકનવંતા દિવસોને લીધે આભૂષણોની સ્થાનિક માગ મજબૂત હતી. પરંતુ ત્યારબાદ સોનાના ભાવ વધતાં જવાથી તેમાં ઓટ આવી હતી. ગ્રામીણ માગમાં ઘટાડો, આર્થિક મંદી અને પ્રવાહિતાની અછતને લીધે આભૂષણોની ખરીદીના ઉત્સાહમાં વધુ મંદી આવી હતી. એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૧૯ દરમિયાન સોનાના ભાવ ૨૦ ટકા વધી જવાથી આભૂષણોની માગમાં’ ૯.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડિસેમ્બર ત્રિમાસિકમાં આવેલી તહેવારોની મોસમ પણ ઝવેરાત ઉદ્યોગ માટે નિસ્તેજ રહી હતી, જોકે લગ્નસરાને ટેકે માર્ચ ત્રિમાસિક સારો જવાની આશા છે.

આવતાં પાંચ વર્ષમાં સંગઠિત ક્ષેત્રનો વધતો જતો પ્રભાવ, આવકમાં વધારો, વસ્તીમાં યુવાપેઢીની ટકાવારીમાં વધારો અને સામાજિક સાંસ્કૃતિક કારણોસર સોનાનાં આભૂષણોની માગ સરેરાશ છથી સાત ટકાના દરે વધવાની સંભાવના અહેવાલમાં વ્યક્ત કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here