સરકારે ઘર ખરીદનારાને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. તેના માટે સરકારે રૂ.25,000 કરોડનું એક સ્પેશિયલ ફંડ બનાવવાનું નક્કી કર્યું છે. મોદી કેબિનેટ દ્વારા રૂ.10 હજાર કરોડના સ્પેશિયલ ફંડને મંજુરી પણ આપી દેવાઈ છે. કેબિનેટ દ્વારા સસ્તા મકાનોના પ્રોજેક્ટને પ્રાથમિક્તાના ધોરણે ધિરાણ ઉપલબ્ધ કરાવવા માટે વિશેષ જોગવાઈને પણ મંજુરી આપી દીધી છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું કે, “એક અંદાજ અનુસાર મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, અમદાવાદ જેવા અનેક શહેરોમાં લગભગ 1600થી વધુ હાઉસિંગ પ્રોજેક્ટ અધુરા લટકેલા છે. સરકાર હાઉસિંગ સેક્ટરને બૂસ્ટ કરવા માટે એક વિશેષ ફંડ બનાવી રહી છે, જેમાં સરકાર રૂ.10 હજાર કરોડનું યોગદાન આપશે. આ ફંડ કુલ રૂ.25,0000 કરોડનું હશે, જેમાં એલઆઈસી અને એસબીઆઈ પ્રારંભમાં સહયોગ આપશે.”
દેશભરમાં 4 લાખ 48 હજાર મકાન અધુરા
નાણામંત્રીએ જણાવ્યું કે, “અનેક ઘર ખરીદનારાઓએ પોતાની સમસ્યા તરફ અમારું ધ્યાન દોર્યું હતું. મંત્રાલયના આંકડા અનુસાર 1600થી વધુ હાઉસિંગ પ્રોજેક્ટ અટકેલા છે અને 4.58 લાખ હાઉસિંગ યુનિટનું કામ અધુરું છે. છેલ્લા બે મહિનામાં પ્રભાવિત લોકો, બેન્કો અને બિલ્ડર્સ સાથે અનેક બેઠકો યોજી છે.”
ઉલ્લેખનીય છે કે, મંગળવારે જ નાણામંત્રીએ જણાવ્યું હતું કે હવે આર્થિક સુધારા પર ઝડપથી પગલાં લેવાશે.