ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસમાં ભારે વધારો થતાં ગુજરાત સરકારે આવતીકાલથી રાજ્યના મુખ્ય ચાર શહેરોમાં રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવાની જાહેરાત કરી છે આમ તો ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં રાત્રીના ૧૨ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ હતો પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસમાં વધારો થતાં ગુજરાત સરકારે આવતીકાલથી રાત્રી કર્ફ્યુ 10 વાગ્યાથી શરૂ કરી દેવાની કરી દેવાની જાહેરાત કરી છે.આ નિર્ણય 31 માર્ચ સુધી અમલી રહેશે.
છેલ્લા દસ દિવસથી ગુજરાતમાં કોરોનાના 600થી વધારે કેસ જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બે દિવસ પહેલા તાત્કાલિક મિટિંગ બોલાવીને કોરોનાને અંકુશમાં લેવા કડક સૂચના આપી હતી. દરમિયાન આજે ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની મિટિંગમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્ફ્યુ લંબાવવાની જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજકોટ અમદાવાદ સુરત તેમજ વડોદરામાં જે રીતે કેસ વધી રહ્યા છે તે જોતા હવે 31 માર્ચ સુધી કર્ફ્યુનો સમય રાત્રે ૧૦થી સવારના છ વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ વધતા કુલ આઠ વોર્ડમાં રાત્રીના દસ વાગ્યે હોટલો રેસ્ટોરેન્ટ તેમજ ધાબા બંધ કરી દેવાની પણ સૂચના બે દિવસ પહેલાં જ આપી દેવામાં આવી હતી.
નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોના ના કેસ વધી રહ્યા છે તે બહુજ કમનસીબ બાબત છે અને અમે મુખ્ય શહેરોના મ્યુનિસિપલ કમિશ્નરને સૂચના આપી છે અને તેઓ ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં કેસને કાબુમાં લેવા કવાયત હાથ ધરશે.