નવી દિલ્હી:મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના કેસની અસર હવે સમગ્ર ભારત ઉપર જોવા મળી રહી છે છેલ્લા 24 કલાકમાં ભારતમાં પણ કોરોનાના કેસમાં વિસ્ફોટ થયો છે. મહારાષ્ટ્ર,પંજાબ, રાજસ્થાન, કર્ણાટક,ગુજરાત સહિતના રાજયોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના 28,903 કેસ સામે આવ્યા છે. છેલ્લા બે મહિનામાં દિવસ દરમિયાન નોંધાયેલા કેસની સંખ્યામાં આ સૌથી વધારે કેસ નોંધાયા છે.આ સાથે ભારતમાં કુલ કેસની સંખ્યા વધીને એક 1,14,38,734 પહોંચી છે.
છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ભારતમાં 17, 741 દર્દીઓ સાજા પણ થયા છે. આ સાથે ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા એક 1,10,45,284 પહોંચી છે.
કોરોનાના કેસ વધી રહ્યા છે તો સાથોસાથ કોરોનાને કારણે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતભરમાં 188 લોકોએ કોરોનાને કારણે દમ તોડયો હતો. આ સાથે ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 1,59,044 સુધી પહોંચી છે. હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2,34,406 સુધી પહોંચી છે.