ભારતમાં કોરોના વાયરસનો ભયાનક પ્રક્રોપ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસ કેસ મામલે ભારતે ફરીથી વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,32,730 નવા કેસ નોંધાયા છે. વિશ્વના કોઈપણ દેશમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાવાયરસ ચેપની કુલ સંખ્યા વધીને 1,62,63,695 થઈ છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ 1,86,920 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 24,28,616 છે અને અત્યાર સુધીમાં 1,36,48,159 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 31,47,782 લોકોને રસી આપવામાં આવી છે. આ પછી, અત્યાર સુધીમાં કુલ 13,54,78,420 લોકોને રસી આપવામાં આવી છે.
કોરોનાવાયરસ ચેપને પહોંચી વળવા માટે સરકાર રસીકરણ માટે પણ દબાણ કરી રહી છે. અત્યાર સુધીમાં કુલ 13,23,30,644 લોકોને રસી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના 59.12 % સક્રિય કેસ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને કેરળના પાંચ રાજ્યોના છે.
ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ-આઇસીએમઆરના અહેવાલ મુજબ કોરોના વાયરસના ગઈકાલે (22 એપ્રિલ) સુધીમાં કુલ 27,44,45,653 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જેમાં 17,40,550 નમૂનાઓનું છેલ્લા 24 કલાકમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.