દેશભરમાં પેટ્રોલ અને ડીએલના ભાવ ભડકે બળી રહ્યા છે. પાંચ રાજ્યોની ચૂંટણી પુરી ત્યાંય અને પરિણામ આવી ગયા બાદ છેલ્લા 1 સપ્તાહમાં પાંચમી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે સોમવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વિક્રમી ઉંચી સપાટીએ પહોંચી હતી અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં પણ લિટર પેટ્રોલના સ્તરે 100 રૂપિયાને પાર કરી દીધા હતા.
જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલા પ્રાઈસ નોટિફિકેશન મુજબ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 26 પૈસા અને ડીઝલના ભાવમાં 33 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ દ્વારા 18 દિવસ સુધી કિંમતોની સમીક્ષા કરી ન હતી અને 4 મેથી સમીક્ષા ફરીથી શરૂ કરવામાં આવી હતી. તે પછી ભાવમાં આ પાંચમો વધારો છે.
આ વધારા સાથે પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલ હવે લિટર દીઠ રૂ. 91.53 ના ભાવે ઉપલબ્ધ છે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 82.06 છે.
સોમવારે મહારાષ્ટ્રના પરભનીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100.20 રૂપિયા હતી. આ અગાઉ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરના આંકને પાર કરી ગયું છે.
વેટ અને નૂર જેવા સ્થાનિક કરના આધારે ઇંધણના ભાવો રાજ્યમાં અલગ અલગ હોય છે. છેલ્લા 1 સપ્તાહમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 1.14 અને ડીઝલમાં 1.33 રૂપિયા પ્રતિ લીટર વધારો કરવામાં આવ્યો છે.