અંતે આજે મહારાષ્ટ્ર રાજ્યમાં ચોમાસાની સત્તાવાર આગમન થયાની વાત હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આજે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. માધ્ય થયેલો વરસાદ મુંબઈમાં સવારે પણ ચાલુ રહ્યો હતો.
મુંબઈમાં મંગળવાર રાતથી શહેરમાં વરસાદ પડી રહ્યો છે જેના ભાગરૂપે ભારતના હવામાન વિભાગની કચેરીમાં સાંતાક્રુઝમાં 50.4 મીમી અને કોલાબામાં 65.4 મીમી વરસાદ નોંધાયો હતો.
આઇએમડી મુંબઇના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ડીડીજી) ડો. જયંત સરકારે જણાવ્યું હતું કે, ચોમાસુ આજે મુંબઇ પહોંચ્યું છે, દર વર્ષે સામાન્ય આગમનની તારીખ 10 જૂન હોય છે, તેથી તે આગમનના એક દિવસ પહેલા આવી ગયું છે.
આજે સવારથી જ મુંબઈમાં અનેક લોકલ ટ્રેનો મોડી દોડી રહી છે.અનેક સ્ટેશન પણ રેલ્વે ટ્રેક પર પાણી ફરી વળ્યાં છે.ચેમ્બુર સાયન સહિતના વિસ્તારોમાં વરસાદના પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.
આઇએમડીએ એક ટ્વીટમાં જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રના વધુ ભાગોમાં આગળ વધે તેવી સંભાવના છે અને તે આગામી બે દિવસ દરમિયાન તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં, ઓડિશાના કેટલાક ભાગોમાં અને પશ્ચિમ બંગાળના વધુ ભાગોમાં આગળ વધવાની સંભાવના છે.
સોમવારે આઈએમડીએ 9 મેથી 12 જૂન સુધીના ચાર દિવસ દરમિયાન મુંબઇ મહાનગર વિસ્તાર સહિત કોંકણના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી.