ઢાકા : કુસ્તીયા ખાંડ મિલના ગોડાઉનમાંથી આશરે 53 ટન ખાંડની ચોરી થઈ હતી. ઉદ્યોગ મંત્રાલય રચિત સમિતિની તપાસમાં આ માહિતી સામે આવી છે. આ તપાસ ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ શિવનાથ રાયની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સમિતિ દ્વારા કરવામાં આવી હતી. સમિતિના અન્ય સભ્યોમાં મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી અનવરુલ આલમ, બાંગ્લાદેશ સુગર અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના પ્લાનિંગ હેડ આઈનુલ હક, ડેપ્યુટી જનરલ મેનેજર ઇલ્યાસ સિકદાર અને કાર્યકારી જનરલ મેનેજર હમીદુલ ઇસ્લામ શામેલ છે.
કુસ્તીયા શુગર મિલમાં 121 ટન ખાંડ હોવી જોઈતી હતી, પરંતુ ત્યાંથી 53 ટન ખાંડ ગાયબ હતી. ગુમ થયેલી ખાંડની બજાર કિંમત આશરે 33 લાખ રૂપિયા છે. સુગર મિલના હાલના સ્ટોક અંગે અહેવાલો મળ્યા ત્યારે આ મામલો 3 જૂને સૌથી પહેલાં સામે આવ્યો હતો. સ્ટોર કિપર ફરીદુલ ઇસ્લામ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં સ્ટોક, વેચાણ અને કમાણી સંબંધિત માહિતીમાં વિસંગતતા જોવા મળી હતી.
શંકાના આધારે વરિષ્ઠ અધિકારીઓએ ગોડાઉનનું નિરીક્ષણ કર્યું અને સ્પષ્ટ પુરાવા મળ્યા કે 53 ટન ખાંડ ગાયબ હતી. ફરીદુલને 5 જૂને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ઘટનાની તપાસ માટે મિલના જનરલ મેનેજર (ફાઇનાન્સ) કલ્યાણ કુમાર દેબનાથની અધ્યક્ષતામાં ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. વેર હાઉસમાંથી ખાંડ ગાયબ થવા અંગે કુસ્તીયા મોડેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઉદ્યોગ મંત્રાલયે 6 જૂને અલગ તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિના સભ્યોએ ગઈકાલથી તપાસ શરૂ કરી દીધી છે. મીડિયા અહેવાલો અનુસાર, તેઓએ મિલ દ્વારા ઉત્પાદિત ખાંડ અને અન્ય ઉત્પાદનોનો વર્તમાન સ્ટોક, વેચાણ અને આવકના દસ્તાવેજો ચકાસી લીધા છે. તેમણે વેરહાઉસ અને અન્ય દુકાનોના પ્રભારી વર્તમાન અને પૂર્વ અધિકારીઓ સાથે વાત કરી હતી અને શકમંદોની ઓળખ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. ઓછામાં ઓછા 10 લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે.