મુંબઈ : છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ અને શેરીઓમાં પાણી ભરાયા છે. અનેક ફોટોગ્રાફ્સ અને વીડિયો આપણે જોઈએ છીએ,જે વરસાદ પછીની પરિસ્થિતિનું વર્ણન કરે છે. દરમિયાન, ભારતના હવામાન વિભાગે રાજ્યના રાયગઢ અને રત્નાગિરિ જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે, જ્યારે મુંબઇ અને થાણેમાં પણ રવિવારે ભારે વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન શાસ્ત્રી કે.એસ. હોસાલીકરના જણાવ્યા મુજબ, ઉત્તર બંગાળની ખાડીમાં નીચા દબાણનું નિર્માણ થઈ રહ્યું છે અને તેની તીવ્રતાને કારણે વરસાદની પરીસ્થિતિ સર્જાઇ રહી છે. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. રાયગઢ અને રત્નાગિરિ જિલ્લાઓ માટે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મુંબઈ અને થાણેમાં રવિવાર માટે રેડ એલર્ટ છે.
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતિ આગામી ચાર-પાંચ દિવસ સુધી ચાલુ રહેશે.