દેશમાં મોંઘવારી દરરોજ એવી રીતે વધી રહી છે કે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. તેલના સતત વધતા ભાવથી લોકોને વધારે રાહત મળી નથી. આજે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. પાટનગર દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે.
આજે પેટ્રોલની કિંમતમાં વધારા સાથે હવે દિલ્હીમાં પેટ્રોલ 99.16 રૂપિયા થઈ ગયું છે. જોકે, આજે ડીઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. હાલમાં દિલ્હીમાં ડીઝલ 89.18 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.
મુંબઈમાં પેટ્રોલના ભાવ વધીને 105.25 જોવા મળી રહ્યા છે જયારે ડીઝલના ભાવ 96.72 રહ્યા છે.કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે 98.99 અને 92.03 જોવા મળી રહ્યા છે.ચેન્નાઇમાં પેટ્રોલ 100.15 અને ડીઝલના ભાવ 93.72 પર સ્થિર થયા છે. બેંગ્લોરમાં પેટ્રોલ 102.46 અને ડીઝલ 94.54 પર છે.
પેટ્રોલિયમ પેદાશો પરના ટેક્સથી કેન્દ્ર સરકારની બમ્પર કમાણી
આરટીઆઈ દ્વારા એ વાત સામે આવી છે કે કોરોના સમયગાળા દરમિયાન, પેટ્રોલિયમ પેદાશો પરની કસ્ટમ અને એક્સાઈઝ ડ્યુટીમાંથી કેન્દ્ર સરકારની કમાણીમાં 56% થી વધુનો વધારો થયો છે. પરોક્ષ વેરાથી સરકારે લગભગ 2.88 લાખ કરોડ રૂપિયાની આવક કરી છે.
2020-21માં પેટ્રોલિયમ પેદાશોના આયાત પર રૂ. 37,806 કરોડની કસ્ટમ ડ્યુટી એકત્રિત કરવામાં આવી હતી. જ્યારે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીએ 4.13 લાખ કરોડની આવક કરી છે, જ્યારે પેટ્રોલિયમ પેદાશોની આયાતથી કસ્ટમ ડ્યુટી તરીકે 46 હજાર કરોડની કમાણી થઈ છે.