નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં, કૃષિ માટે ફાળવવામાં આવેલ રકમમાં ગત વર્ષ કરતા વધારો કરવામાં આવ્યો છે, જ્યારે તેમાં દરેક પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ગત વખતે કૃષિ માટેનું બજેટ રૂ. 1,23,000 કરોડ હતું, એમ તેમણે જણાવ્યું હતું. આ વખતે કૃષિ માટેનું બજેટ 1,32,000 કરોડ રૂપિયા છે. બજેટમાં તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સામાન્ય લોકોને જે પણ સુવિધાઓની જરૂર છે તેની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
વિપક્ષી પાર્ટીની ટીકા કરતા તોમરે કહ્યું કે, હું ફક્ત તે લોકો પર હસી શકું છું જેઓ આ બજેટને નકામું કહે છે. તેમને ડર છે કે આ બજેટ નવા ભારતને જન્મ આપશે. તેમને 2014 અને 2019માં બે વખત હારનો સામનો કરવો પડ્યો છે. તેમને ચિંતા છે કે જો આ બજેટ અમલમાં આવશે તો 2024માં પણ તેઓ ક્યાંય ઊભા નહીં રહે.