અકોલા: ભારતે પેટ્રોલિયમ ઉત્પાદન પર તેની આયાત નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું છે. દેશે 2025 સુધીમાં 20 ટકા ઇથેનોલ સંમિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે અને તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા દરેક જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. હવે આ કડીને આગળ ઉમેરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ગ્રીન ફ્યુઅલ સાથે પાંચ વર્ષ બાદ દેશમાં વાહનોમાં પેટ્રોલના ઉપયોગની જરૂરિયાતનો અંત આવશે.
અકોલા ખાતે ડૉ. પંજાબ રાવ દેશમુખ કૃષિ વિદ્યાપીઠ દ્વારા મંત્રી ગડકરીને ડૉક્ટર ઑફ સાયન્સની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે બોલતા મંત્રી ગડકરીએ કહ્યું કે ગ્રીન હાઈડ્રોજન, ઇથેનોલ અને અન્ય ગ્રીન ઈંધણ દેશનું ભવિષ્ય છે અને પાંચ વર્ષ પછી દેશમાંથી પેટ્રોલનો ઉપયોગ લગભગ બંધ થઈ જશે. દેશમાં દરેક કાર અને સ્કૂટર ગ્રીન હાઇડ્રોજન, ઇથેનોલ ફ્લેક્સ ફ્યુઅલ, સીએનજી અથવા એલએનજી પર ચાલશે.