ભારતીય પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ગંભીર આર્થિક અને ઈંધણની કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં 50 પેટ્રોલ પંપ ખોલીને પાડોશી દેશમાં તેનો કારોબાર વિસ્તારશે. IOCની શ્રીલંકન યુનિટ લંકા IOC (LIOC)ના મેનેજિંગ ડિરેક્ટર મનોજ ગુપ્તાએ આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે કંપની ઓઈલ સ્ટોરેજ ટેન્ક અને પેટ્રોલ પંપના અન્ય જરૂરી સાધનોનો બોજ ઉઠાવશે, જ્યારે જમીન અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ પંપ ઓપરેટરો ઉઠાવશે. મનોજ ગુપ્તાએ અહીં કહ્યું, “અમને 50 નવા પેટ્રોલ પંપ ખોલવાની મંજૂરી મળી છે. અમે આ માટે શ્રીલંકાની સરકારનો આભાર માનીએ છીએ.”
શ્રીલંકામાં આ વર્ષની શરૂઆતથી જ ઈંધણની અછત જોવા મળી રહી છે. વિદેશમાંથી તેલ ખરીદવા માટે પર્યાપ્ત વિદેશી હૂંડિયામણના અભાવને કારણે શ્રીલંકામાં ઇંધણનો પૂરતો પુરવઠો થઈ રહ્યો નથી. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ અનેક વખત વધારો કરવામાં આવ્યો છે. કટોકટીની ટોચ પર જૂન-જુલાઈમાં LIOC પેટ્રોલિયમ ઉત્પાદનોની એકમાત્ર રિટેલર હતી. શ્રીલંકાની સરકારી ઓઈલ કંપની સીપીસીનો પુરવઠો જૂનના મધ્યમાં જ બંધ થઈ ગયો હતો, જેના કારણે આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પણ વધવા લાગ્યા હતા.
આ સ્થિતિમાં નવા પેટ્રોલ પંપ ખોલવાની મંજૂરીથી ઉત્સાહિત, LIOC વડાએ કહ્યું કે સંભવિત ભાગીદારો શોધવા માટે ટૂંક સમયમાં જાહેરાતો જારી કરવામાં આવશે. આ કંપની હાલમાં શ્રીલંકામાં 216 પેટ્રોલ પંપ ચલાવે છે. પડોશી દેશમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ માર્કેટમાં તેનો હિસ્સો 16 ટકા છે.