લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ટૂંક સમયમાં નવી ફૂડ પ્રોસેસિંગ પોલીસી લાવવામાં આવશે અને MSME ઉદ્યોગસાહસિકો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે. તેમણે ઉદ્યોગ સાહસિકોને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (GIS) માટે તૈયાર રહેવા પણ વિનંતી કરી હતી, જેનું રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, નવી ફૂડ પ્રોસેસિંગ પોલિસી હેઠળ સરકાર ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા સાહસોના હિતોને ધ્યાનમાં લેશે.
અહીંના ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે ત્રણ દિવસીય એગ્રી-એમએસએમઈ એક્સ્પોને સંબોધતા તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે, અને આપણી પાસે સૌથી વધુ ફળદ્રુપ જમીન પણ છે. યુપી દેશમાં 12% ખેતીલાયક જમીન ધરાવતું રાજ્ય છે. દેશના લગભગ 20% અનાજનું ઉત્પાદન રાજ્યના ખેડૂતો દ્વારા થાય છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે ઘઉં, શેરડી, કેરી, બટાકા, વટાણા, મશરૂમ, તરબૂચ, દૂધ અને મધના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉદ્યોગના વિવિધ ક્ષેત્રો માટે નવી નીતિ લાવવાની ખાતરી પણ આપી હતી. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે નિકાસ સબસિડી આપવાનો પ્રસ્તાવ પણ વિચારણા હેઠળ છે.