નવી દિલ્હી: Jio-bp એ બુધવારે E20 મિશ્રિત પેટ્રોલ (ઇથેનોલનું વીસ ટકા મિશ્રણ અને અશ્મિ આધારિત ઇંધણના એંસી ટકા)ના રોલ-આઉટની જાહેરાત કરી હતી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નિર્ધારિત રોડમેપને અનુરૂપ, Jio-bp ભારતમાં E20 મિશ્રિત પેટ્રોલ ઉપલબ્ધ કરાવનાર પ્રથમ ફ્યુઅલ રિટેલર્સમાંનું એક બની ગયું છે. E20 પેટ્રોલ સાથે સુસંગત વાહનો ધરાવતા ગ્રાહકો પસંદગીના Jio-bp આઉટલેટ્સ પર આ ઇંધણ પસંદ કરી શકશે અને ટૂંક સમયમાં E20 મિશ્રિત પેટ્રોલ સમગ્ર નેટવર્ક પર ઉપલબ્ધ થશે. રિલાયન્સ BP મોબિલિટી લિમિટેડ (RBML) ‘Jio-BP’ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને BP વચ્ચેનું સંયુક્ત સાહસ છે.
તાજેતરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાયોફ્યુઅલનો ઉપયોગ વધારવાના કાર્યક્રમના ભાગરૂપે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પસંદગીના પેટ્રોલ પંપો પર 20 ટકા ઇથેનોલ સાથે મિશ્રિત પેટ્રોલ લોન્ચ કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉત્સર્જન અને વિદેશી દેશો પર નિર્ભરતા ઘટાડવાનો છે. અધિકારીઓનું કહેવું છે કે હાલમાં પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ ઉમેરવામાં આવે છે અને 2025 સુધીમાં ઇથેનોલની માત્રા બમણી કરવાનું લક્ષ્ય છે. 20 ટકા ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ લોન્ચ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે પેટ્રોલમાં ઇથેનોલનો ઉપયોગ 2014માં 1.5 ટકાથી વધારીને 10 ટકા કરવામાં આવ્યો હતો અને હવે તે વધીને 20 ટકા થઈ ગયો છે. આ યોજના હેઠળ, દેશના 15 શહેરોને પ્રથમ આવરી લેવામાં આવશે અને આગામી બે વર્ષમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણવાળા પેટ્રોલ પંપનો સમગ્ર દેશમાં વિસ્તરણ કરવામાં આવશે. ઈંધણની આયાતમાં 10 ટકાનો ઘટાડો કરીને દેશને રૂ. 54,894 કરોડની બચત થશે.