ભારતીય માર્કેટમાં ફરી લોન્ચ થયું કેમ્પા કોલા. રિલાયન્સની આ નવું સોફ્ટ ડ્રિન્ક આપશે પેપ્સી અને કોકા કોલાને ટક્કર

1970ના દાયકાની સૌથી મોટી કોલા બ્રાન્ડ કેમ્પા કોલાનું ભારતીય બજારમાં ફરી આગમન થયું છે. મુકેશ અંબાણીની કંપનીએ આ દેશી બ્રાન્ડને ખરીદીને ત્રણ ફ્લેવરમાં ભારતીય બજારમાં ફરી લોન્ચ કરી છે. આ બ્રાન્ડ લોન્ચ થતાં ભારતીય બજારમાં પહેલેથી મોટી જગ્યા બનાવી ચુકેલી કોકો કોલા,પેપ્સી અને સ્પ્રાઇટ જેવી બ્રાન્ડને પણ હવે ટક્કરનો સામનો કરવો પડી શકે તેમ છે.

રિલાયન્સે આ બ્રાન્ડ ખરીદી લીધા બાદ કેમ્પા કોલા બ્રાન્ડ ફરી એક વખત ભારતીય બજારમાં પોતાનું બાદશાહી સ્થાન બનાવવા માટેની પહેલ શરુ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2022માં ઓગસ્ટમાં રિલાયન્સ દ્વારા પ્રોડક્ટ ખરીદી લેવામાં આવી હતી અને તેની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ પ્રોડક્ટ બજારમાં આવી ચુકી છે. રિલાયન્સે આ બ્રાન્ડને લઈને દિલ્હી સ્થિત પ્યોર ડ્રિન્ક ગ્રુપ સાથે ડીલ કરી છે.

પોતાના રિટેલ કારોબારમાં વિસ્તરણની યોજના સાથે મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની એક પછી એક સેક્ટરમાં પોતાની એન્ટ્રી લગાવી રહી છે અને હવે કેમ્પા કોલા પ્રોડક્ટ સાથે તેઓ કોલા બજારમાં પોતાની એન્ટ્રી મારી રહ્યા છે. 70ના દાયકામાં ટોચ પર રહેનાર આ બ્રાન્ડને 22 કરોડમાં ખરીદીને હવે પ્યોર સોફ્ટ ડ્રિન્ક ગ્રુપ સાથે બજારમાં ત્રણ ફ્લેવર લોન્ચ કરી છે.

કેમ્પા કોલા સ્પાર્કલિંગ બેવરિજીસ કેટેગરીમાં ભારતની પોતાની બ્રાન્ડ છે. પ્યોર સોફ્ટ ડ્રિન્ક ગ્રુપ ભારતમાં 1949 થી 1970 સુધી કોકા કોલાના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર હતા. આ ગ્રુપે પોતાની પ્રોડક્ટ કેમ્પા કોલા લોન્ચ કરી અને ત્યારબાદ પેપ્સી અને કોકા કોલાની ભારત માંથી વિદાય થતા કેમ્પા કોલા ભારતની ટોચની બ્રાન્ડ બની ગઈ હતી. એ સમયે પોતાનો કારોબાર વધારવાની સાથે કંપનીએ કેમ્પા ઓરેન્જ નામની પ્રોડક્ટ પણ લોન્ચ કરી હતી જેનો સ્લોગન “ધ ગ્રેટ ઇન્ડિયન ટેસ્ટ” બહુ ચર્ચિત થયું હતું.

રિલાયન્સ સાથે ડીલ થયા બાદ કેમ્પા કોલા ગત વર્ષે જ દિવાળી પહેલા ત્રણ ફ્લેવર લોન્ચ કરવાની તૈયારીમાં હતું પણ ત્યારે ન થતા હવે હોળી બાદ તુરંત જ ઓરેન્જ, લેમન, અને કોલા એમ ત્રણ ફ્લેવરમાં સોફ્ટ ડ્રિન્ક લોન્ચ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here