ચંદીગઢ: ખરાબ હવામાન, કમોસમી વરસાદ છતાં, પંજાબે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે લગભગ 13.5 ટકા વધુ ઘઉંનું ઉત્પાદન કર્યું છે. ડેઈલી ટ્રિબ્યુનમાં પ્રકાશિત સમાચાર અનુસાર, પંજાબમાં આ વર્ષે લગભગ 168 લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન નોંધાયું છે. ગયા વર્ષે કુલ ઉપજ આશરે 148 લાખ મેટ્રિક ટન હતી.આ વર્ષે, કેન્દ્ર સરકારે પંજાબ સરકારની વિનંતી પર ઘઉંની ખરીદી માટે ગુણવત્તાના ધોરણો હળવા કર્યા હતા કારણ કે ખરાબ હવામાનને કારણે ઉભા પાકને અસર થઈ હતી.
પંજાબના કૃષિ વિભાગના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ખરાબ હવામાનની ઘઉંની ઉપજ પર નકારાત્મક અસર પડી છે, અન્યથા રાજ્યમાં ઘઉંનું નવું વિક્રમી ઉત્પાદન નોંધાયું હોત. પંજાબના કૃષિ વિભાગના નિયામક ડૉ. ગુરવિન્દર સિંઘે જણાવ્યું હતું કે, “જો ખરાબ હવામાને પાક સાથે નુકશાન કર્યું ન હોત તો અમે 182 લાખ મેટ્રિક ટનના ઘઉંના ઉત્પાદનનો આંકડો પાર કરી લીધો હોત.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, તેઓએ પહેલેથી જ 121 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી લીધી છે, જે ગયા વર્ષના 96.48 લાખ મેટ્રિક ટનના ઘઉંની ખરીદી કરતાં વધુ છે. પંજાબની પ્રતિ એકર ઘઉંની ઉપજ ગયા વર્ષના 42 ક્વિન્ટલ પ્રતિ એકરથી વધીને આ વર્ષે 47.25 ક્વિન્ટલ પ્રતિ એકર થઈ ગઈ છે, રાજ્યના કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર મુખ્ય પ્રધાન ભગવંત માનના ગૃહ જિલ્લા સંગરુરમાં પ્રતિ એકર 53-55 ક્વિન્ટલની સૌથી વધુ ઉપજ નોંધાઈ છે.