મહારાષ્ટ્રના લોકો મોનસૂન એલર્ટ 2023ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચોમાસાને લઈને રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું મોડું બેસવાની આગાહી કરવામાં આવી હતી. જોકે, ચોમાસાની ગતિ સમયસર છે અને ચોમાસા માટે સાનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે. તેને જોતા હવામાન વિભાગે નવી આગાહીમાં કહ્યું છે કે ભારતમાં ચોમાસાની સમયસર એન્ટ્રી થઈ શકે છે. જેના કારણે જૂનના પહેલા સપ્તાહમાં જ કેરળમાં ચોમાસું પ્રવેશવાની સંભાવના છે. જ્યારે મહારાષ્ટ્રમાં 7 જૂન સુધીમાં ચોમાસું પહોંચી શકે છે.
આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ત્રણ દિવસ અગાઉ એટલે કે 19 મેના રોજ આંદામાન સમુદ્રમાં પ્રવેશ્યું હતું. જોકે, બાદમાં ચોમાસું ધીમુ પડ્યું અને તેની પ્રગતિ અટકી ગઈ. ભારતની પ્રથમ ખાનગી હવામાન કંપની સ્કાયમેટની આગાહી મુજબ છેલ્લા એક સપ્તાહમાં ચોમાસાની કામગીરીમાં ઘણો તફાવત જોવા મળ્યો છે.
કોંકણમાં વરસાદ પડશે!
હવામાન વિભાગે 27 મેથી કોંકણમાં હવામાનમાં ફેરફારની આગાહી કરી છે. આ દરમિયાન ભારે પવન અને વીજળી પડવાની સંભાવના છે. જ્યારે આગામી સપ્તાહથી રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદ શરૂ થશે. IMD એ રત્નાગીરી, સિંધુદુર્ગ, નાસિક, અહેમદનગર, પુણે, કોલ્હાપુર, સતારા, સાંગલી, શોલાપુર, ઔરંગાબાદ, જાલના, પરભણી, બીડ, હિંગોલી, નાંદેડ, લાતુર, ઉસ્માનાબાદમાં 29 અને 30 મેના રોજ ગાજવીજ અને વીજળી સાથે વરસાદની આગાહી કરી છે.