ભારત સરકારે ચોખાની નિકાસ પર પ્રતિબંધને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના કાચા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સ્થાનિક માંગમાં વધારો, આગામી તહેવારોની સિઝન દરમિયાન માંગમાં વધારો થવાની સંભાવના અને છૂટક વેચાણ દર પર નિયંત્રણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધની મોટી અસર અમેરિકી બજારોમાં જોવા મળી રહી છે. નાગરિકો ત્યાં સુપરમાર્કેટમાં ચોખા ખરીદવા માટે લાઇન લગાવી રહ્યા છે.
આજતકમાં પ્રકાશિત અહેવાલ મુજબ, કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે ગયા અઠવાડિયે કહ્યું હતું કે બાસમતી ચોખાની નિકાસ નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે માત્ર નોન-બાસમતી કાચા ચોખાની નિકાસ પર પ્રતિબંધ છે. ભારતમાંથી બાસમતી ચોખાની મોટા પાયે નિકાસ થાય છે. સ્થાનિક ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો. જે બાદ અમેરિકામાં ચોખા ખરીદવા ઉમટી પડેલા નાગરિકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ વીડિયો યુએસના સ્થાનિક લોકોએ ટ્વીટ કર્યા છે. કેટલાક લોકો રજાના દિવસે ચોખા ખરીદવા માટે કતારમાં ઉભા છે. ઘણા લોકો દુકાનમાં ચોખાના 10-10 પેકેટ ખરીદતા જોવા મળે છે. અહીં નવ કિલો ચોખાનું પેકેટ 27 ડોલર એટલે કે 2215 રૂપિયામાં વેચાય છે. લોકો ચોખા ખરીદવા માટે સુપર માર્કેટની બહાર કતારમાં ઉભા હોવાનું કહેવાય છે.