ભારતે પેરાબોઇલ કરેલા ચોખા પર 20 ટકા નિકાસ જકાત લગાવી છે. નાણા મંત્રાલયે શુક્રવારે એક સૂચના દ્વારા આ માહિતીની પુષ્ટિ કરી. નોન-બાસમતી સફેદ ચોખા અને તૂટેલા ચોખાના શિપમેન્ટ પર લાદવામાં આવેલા નિયંત્રણો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની જાહેરાત સપ્ટેમ્બર 2022 અને પછી ગયા મહિને કરવામાં આવી હતી. અનાજની વધતી કિંમતોને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘરેલુ કિંમતો સ્થિર કરવા અને બજારમાં માલનો પુરવઠો વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. મોંઘવારીના વધતા દબાણનો સામનો કરવો શક્ય બનશે.
મનીકંટ્રોલ વેબસાઈટના અહેવાલ મુજબ, ભારતમાં પેરાબોઈલ્ડ ચોખાની વર્તમાન કિંમત 37-38 રૂપિયા પ્રતિ કિલો છે. બાસમતી ચોખા 92-93 રૂપિયા પ્રતિ કિલો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે ફ્રી ઓન બોર્ડ પેરાબોઈલ ચોખાની કિંમત $500 પ્રતિ ટન અને બાસમતી ચોખાની કિંમત $1,000 પ્રતિ ટન છે. વૈશ્વિક પેરાબોઈલ્ડ રાઇસ માર્કેટમાં ભારતનો હિસ્સો 20 થી 25 ટકા છે. ચોખાનો જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં વધીને 12.96 ટકા થયો હતો. જૂન મહિનામાં તે 12 ટકા હતો. જ્યારે જુલાઈ 2022માં તે 4.3 ટકા હતો. 20 જુલાઈના રોજ, રશિયાએ બ્લેક સી ગ્રેન એગ્રીમેન્ટ માંથી બહાર નીકળ્યા પછી સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર નિયંત્રણો લાદ્યા હતા.