પાકિસ્તાનમાં આર્થિક કટોકટી વચ્ચે બલૂચિસ્તાનના છૂટક બજારોમાં ખાંડના ભાવ 220 પાકિસ્તાની રૂપિયા (PKR)ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. એક સ્થાનિક ન્યૂઝ ચેનલે આ જાણકારી આપી છે.
ખાંડ પહેલેથી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી. બલૂચિસ્તાનમાં એકાએક રૂ.20નો વધારો નોંધાયો હતો. આ સાથે ખાંડ રૂ. 220ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે.
‘ARY News’ એ બજારના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે પ્રાંતમાં ખાંડની જથ્થાબંધ કિંમત રૂ. 210 પ્રતિ કિલો છે, જ્યારે 50 કિલોની થેલી રૂ. 10,500 સુધી પહોંચી ગઈ છે.
ડીલરોના જણાવ્યા અનુસાર, પરમિટ સસ્પેન્ડ કર્યા બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનો અટવાવાને કારણે ખાંડનો પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો હતો, જેના પગલે કોમોડિટીના ભાવમાં વધારો થયો હતો. રિપોર્ટ અનુસાર, ખાંડના ભાવમાં અચાનક વધારો થવાથી લોકોની મુશ્કેલી વધી છે, જેઓ પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે.
અગાઉના સૂત્રોએ દાવો કર્યો હતો કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પાકિસ્તાનમાં ખાંડની અછતને નકારી કાઢી છે. સૂત્રોએ દાવો કર્યો હતો કે પાકિસ્તાન બ્રાઝિલ માંથી ખાંડ આયાત કરવા માંગે છે તે પછી આ સ્પષ્ટતા કરવામાં આવી છે.
અગાઉ ‘જિયો ન્યૂઝ’ એ અહેવાલ આપ્યો હતો કે પાકિસ્તાન સરકારે ‘પર્યાપ્ત’ સ્થાનિક સ્ટોક વિશે શુગર મિલ માલિકો દ્વારા છેતરપિંડી કર્યા પછી દેશના ટૂંકા પુરવઠાને ભરવા માટે 10 લાખ મેટ્રિક ટન ખાંડની આયાત કરવાનો નિર્ણય લીધો છે.
ફેડરલ સરકાર રૂ. 220 પ્રતિ કિલોના વધેલા ભાવે ખાંડની આયાત કરશે અને તેનો બોજ વસ્તી પર નાખવામાં આવશે, જેઓ પહેલેથી જ ફુગાવાથી પીડાઈ રહી છે અને તેમને અતિશય ભાવ ચૂકવવાની ફરજ પડશે. પંજાબ ફૂડ ડિપાર્ટમેન્ટ પાસે લગભગ 10 લાખ મેટ્રિક ટન ખાંડનો સરપ્લસ સ્ટોક હોવા છતાં, વિભાગના પ્રવક્તાએ આગામી દિવસોમાં સંભવિત ખાંડ સંકટની ચેતવણી આપી છે.
સત્તાવાળાઓ પાસે એકમાત્ર વિકલ્પ બચે છે તે સમસ્યાને હળવી કરવા માટે સરપ્લસ સ્ટોકનો ઉપયોગ કરવાનો છે. જો કે, આમ કરવાથી, આયાતી ખાંડ બજારમાં વેચવામાં આવશે, ગ્રાહકોને ખાંડ માટે પ્રતિ કિલો રૂ. 100ની સત્તાવાર રકમને બદલે પ્રતિ કિલો રૂ. 220 ચૂકવવાની ફરજ પડશે.