ટાટા ગ્રૂપ પણ ઝડપથી વિકસતા ઇલેક્ટ્રિક કાર બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ અંતર્ગત ટાટા ગ્રુપ બેટરી બનાવવા માટે એક નવી ગીગાફેક્ટરી સ્થાપવા જઈ રહ્યું છે. બ્રિટનના બ્રિજવોટરમાં ટાટા ગ્રુપની બેટરી ગીગાફેક્ટરી બનવા જઈ રહી છે. ગ્રુપે બુધવારે આ જાણકારી આપી.
આટલો ખર્ચ ગીગાફેક્ટરી પર કરવામાં આવશે
ટાટા ગ્રૂપે જણાવ્યું હતું કે તેનો મલ્ટી-બિલિયન ડોલરનો બેટરી પ્લાન્ટ બ્રિજવોટર, દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવશે. ભારત બહાર ટાટા ગ્રુપની આ પ્રથમ ગીગા ફેક્ટરી હશે. ટાટા ગ્રુપ સમરસેટ કાઉન્ટીમાં બનવા જઈ રહેલી આ ગીગાફેક્ટરીમાં 5 બિલિયન ડૉલર (લગભગ 4 બિલિયન પાઉન્ડ)નું રોકાણ કરવા જઈ રહ્યું છે. આ ગીગાફેક્ટરીમાં મોટા પાયા પર બેટરીનું ઉત્પાદન કરવામાં આવશે, જે ઈવી સહિત ઓટોમોબાઈલ અને ઉર્જા ક્ષેત્રની જરૂરિયાતોને પૂર્ણ કરશે.
યુરોપનો સૌથી મોટો બેટરી પ્લાન્ટ
Agratas ટાટા ગ્રુપના વૈશ્વિક બેટરી બિઝનેસનું સંચાલન કરે છે. તેમણે બુધવારે તેમના પ્રસ્તાવિત બ્રિટિશ બેટરી પ્લાન્ટ વિશે માહિતી આપી હતી. કંપનીએ કહ્યું કે પ્રસ્તાવિત પ્લાન્ટની ક્ષમતા 40 GWh હશે. આ પ્લાન્ટ બ્રિજવોટરના ગ્રેવીટી સ્માર્ટ કેમ્પસમાં બનાવવામાં આવશે. ટાટા ગ્રુપે ગયા વર્ષે જુલાઈમાં આ પ્લાન્ટની જાહેરાત કરી હતી. આ માત્ર બ્રિટનમાં જ નહીં પરંતુ સમગ્ર યુરોપમાં સૌથી મોટો બેટરી સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હશે.
હજારો લોકોને રોજગારી મળશે
Agratasએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેનો પ્રસ્તાવિત બેટરી પ્લાન્ટ 4000 લોકોને રોજગાર પ્રદાન કરશે. આ પ્લાન્ટથી હજારો લોકોને પરોક્ષ રોજગારીની તકો મળવાની છે. આ પ્લાન્ટનું નિર્માણ તબક્કાવાર કરવામાં આવશે. પ્લાન્ટમાં બેટરીનું ઉત્પાદન 2026માં શરૂ થવાની ધારણા છે. કંપનીનું કહેવું છે કે જગુઆર લેન્ડ રોવર અને ટાટા મોટર્સ તેના પ્રારંભિક ગ્રાહકો હશે.
ટાટા ગ્રુપનો કાર બિઝનેસ
ટાટા મોટર્સ ભારતની ત્રીજી સૌથી મોટી પેસેન્જર કાર કંપની છે. માર્કેટ કેપના સંદર્ભમાં, ટાટા મોટર્સે તાજેતરમાં મારુતિ સુઝુકીને પાછળ છોડી દીધું છે અને તે ભારતની સૌથી મૂલ્યવાન કાર કંપની બની છે. વેચાણના સંદર્ભમાં, હ્યુન્ડાઇ ઇન્ડિયા અને ટાટા મોટર્સ વચ્ચે બીજા-ત્રીજા સ્થાન માટે સ્પર્ધા છે. બ્રિટનની આઇકોનિક લક્ઝરી બ્રાન્ડ જગુઆર લેન્ડ રોવર પણ ટાટા ગ્રૂપનો એક ભાગ છે, જેને ટાટા ગ્રૂપે થોડા સમય પહેલા હસ્તગત કરી હતી.