RBI ગુરુવારે વ્યાજદરમાં 0.25 કે 0.5 ટકાના બદલે 0.35 ટકાનો ઘટાડો કરે તેવી શક્યતા છે. ફુગાવો અંકુશ હેઠળ છે
ત્યારે RBI ગવર્નર શક્તિકાંત દાસ વધુ એક વખત પોલિસી રેટમાં ઘટાડો કરશે એવો અંદાજ છે. દાસે હોદ્દો સંભાળ્યો ત્યારથી પોલિસી રેટમાં કુલ 0.5 ટકા ઘટાડો કર્યો છે.
ઘણા એનાલિસ્ટ્સ માને છે કે, RBI આ વખતે ધિરાણનીતિની સમીક્ષામાં 0.25 ટકા રેટ કટ કરશે. જેનો હેતુ વૃદ્ધિને ફરી વેગ આપવાનો રહેશે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં GDP 5.8 ટકાની પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે. એપ્રિલમાં ફુગાવો તીવ્ર વૃદ્ધિ સાથે 2.92ના સ્તરે પહોંચ્યો હતો.
બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચના એનાલિસ્ટ્સને વ્યાજદરમાં 0.35 ટકા ઘટાડાનો અંદાજ છે. તેમણે કહ્યું હતું કે, મે મહિનામાં ફુગાવો વધીને 3.3 ટકા થવાની શક્યતા છે, પણ તે RBIએ નિર્ધારિત કરેલી 2-6 ટકાની રેન્જમાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સત્તા સંભાળી લેતાં રાજકોષીય ખાધ અને કરન્સીના મોરચે પણ જોખમ ઘટ્યું છે. એટલે વ્યાજદરમાં 0.25 ટકાથી વધુ ઘટાડા માટે સર્વસંમતિ સાધી શકાશે.