ભાજપને બહુમતી ન મળવાને કારણે શેર બજાર ધરાશાયી; સેન્સેક્સ 4400 અને નિફ્ટી 1380 પોઈન્ટ તૂટી

2024ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં સૌથી મોટા અપસેટને કારણે, મંગળવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ઘટાડાનું સુનામી જોવા મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી ન મળવાને કારણે બજારમાં ચારે બાજુ વેચવાલી જોવા મળી હતી, જેના કારણે ભારતીય શેરબજારમાં ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં સૌથી વધુ ઘટાડો અદાણી ગ્રુપના શેરોમાં થયો હતો. આ સિવાય સરકારી કંપનીઓના શેરમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 4389.73 પોઈન્ટના ઘટાડા સાથે 72,079 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 1379.40 પોઈન્ટના ઘટાડા સાથે 21,884.50 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

બજારમાં સૌથી વધુ ઘટાડો એનર્જી સેક્ટરના શેરોમાં જોવા મળ્યો છે. નિફ્ટીનો એનર્જી ઈન્ડેક્સ 12.47 ટકા અથવા 5357 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. બેન્કિંગ શેરોમાં વેચવાલીને કારણે નિફ્ટી બેન્કિંગ ઇન્ડેક્સ 7.95 ટકા અથવા 4051 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, મેટલ્સ, ઓટો, આઈટી, ફાર્મા સેક્ટરના શેરો પણ ઘટાડા સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ પાનખરની જેમ ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 4202 પોઈન્ટ અથવા 7.88 ટકાના ઘટાડા સાથે અને નિફ્ટી સ્મોલ કેપ ઈન્ડેક્સ 1406 પોઈન્ટ અથવા 8.23 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

રોકાણકારોને રૂ. 30 લાખ કરોડનું નુકસાન
ભારતીય શેરબજારમાં આવેલી સુનામીના કારણે રોકાણકારોને એક જ દિવસમાં 30 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 395.42 લાખ કરોડ પર બંધ થયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 426 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. શેરબજારમાં કુલ 3934 શેરોનું કામકાજ થયું હતું જેમાં 3349 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. માત્ર 488 શેર જ વધ્યા હતા. 97 શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

ભાજપને બહુમતી ન મળવાને કારણે બજારમાં શોકનો માહોલ હતો, સેન્સેક્સ 4400 અને નિફ્ટી 1380 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here