નીરવ મોદીની ચોથી વખત જામીન અરજી રદ કરતી બ્રિટિશ કોર્ટ

નીરવ મોદીની જામીન અરજી બુધવારે બ્રિટનની હાઇકોર્ટે પણ ફગાવી દીધી હતી. જજ ઇનગ્રિડ સિમલરે જણાવ્યું હતું કે નીરવ એકવાર જેલમાંથી બહાર નીકળ્યા પછી સરન્ડર નહીં કરે તેના નક્કર પુરાવા છે. જજે આશંકા વ્યક્ત કરી હતી કે નીરવને જામીન પર મુક્ત કરતાં તે સાક્ષીઓને પ્રભાવિત કરીને કાયદેસરની પ્રક્રીયાને અવરોધી શકે છે. હાઇકોર્ટ પહેલાં વેસ્ટમિનસ્ટર કોર્ટે પણ આ કારણસર જ નીરવી જામીન અરજી ફગાવી દીધી હતી. વેસ્ટમિનસ્ટર કોર્ટે આ પહેલાં ત્રણવાર જામીન અરજી ફગાવ્યા પછી નીરવે ૩૧મેના રોજ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. ૧૧ જૂનના રોજ હાઇકોર્ટે અરજી પર સુનાવણી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. નીરવ ૮૬ દિવસથી લંડન ખાતેની વાઇન્સવર્થ જેલમાં છે. ૧૯ માર્ચના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

હાઇકોર્ટમાં મંગળવારે સુનાવણી વખતે નીરવના વકીલ ક્લેર મોંટેગોમરીને જણાવ્યું હતું કે જામીન મળતાં નીરવ મોદી ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી તેના પર નજર રાખવામાં આવે તો તે માટે તૈયાર છે, તેનો ફોન પણ ટ્રેક થઇ શકશે. મોંટગોમરીએ જણાવ્યું હતું કે નીરવ બ્રિટન નાણાં કમાવા આવ્યો છે. અત્યારસુધી એવા કોઇ તથ્ય સામે નથી આવી કે એવું લાગી શકે કે તે ભાગી જશે. નીરવના પુત્ર-પુત્રી પણ લંડનમાં અભ્યાસ કરવા આવવાના છે.

ભારત તરફથી કેસ લડી રહેલી ક્રાઉન પ્રોસિક્યુશન સેવાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે નીરવ સામે ગુનાઇત અને છેતરપિંડીના કેસ છે. આ અસુરક્ષિત દેવાનો કેસ છે. જજ પણ સમજી ચૂક્યા છે કે આ કેસમાં ડમી પાર્ટનર મારફતે લેટર ઓફ અંડરટેકિંગ જારી કરીને છેતરપિંડી થઇ છે. તેમણે રજૂઆત કરી હતી કે પ્રત્યર્પણ કેસ ચાલતો હતો ત્યારે જામીન મળ્યા હોત તો વાત અલગ હતી. પરંતુ હવે જામીન મંજૂર ના થવા જોઇએ, કેમ કે નીરવ ગંભીર આક્ષેપ છે. જામીન અપાશે તો પુરાવા સાથે છેડછાડ કરે તેવી સંભાવના છે.

ભારતમાં ભાગેડુ જાહેર થઇ ચૂકેલા હીરાના વેપારી નીરવ મોદીએ કરેલી જામીન અરજીના કેસમાં ચુકાદો આપતાં રોયલ કોર્ટ ઓફ જસ્ટિસના જજ સિમલરે જણાવ્યું હતું કે કેસની વિગત જોતાં સાક્ષીઓને પ્રભાવિત કરવા અને પુરાવાનો નાશ કરીને કેસમાં હસ્તક્ષેપ કરવા પ્રયાસ થઇ ચુક્યો હોવાના સંગીન પુરાવા ઉપલબ્ધ છે અને આવો પ્રયાસ હજીપણ થઇ શકે છે. જજે એવી આશંકા પણ વ્યક્ત કરી હતી કે એકવાર જામીન પર જેલ બહાર આવ્યા પછી નીરવ ભાગ્યેજ સરન્ડર કરે તેવી શક્યતા છે, કેમ કે તેની પાસે ભાગી છૂટવા માટેના સંસાધનો ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here