પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લદ્દાખના વિકસિત અને સમૃદ્ધ નિર્માણના વિઝનને સાકાર કરવા માટે ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશમાં 5 નવા જિલ્લાઓની રચના કરવાનો નિર્ણય લીધો છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણના વિઝનને સાકાર કરવા માટે ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લાઓની રચના કરવાનો નિર્ણય લીધો છે.

આ ઐતિહાસિક નિર્ણય વિશે ‘એક્સ’ પ્લેટફોર્મ પરની પોસ્ટમાં માહિતી આપતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, આ નિર્ણયથી નવા જિલ્લાઓ – જાંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ – દરેક ખૂણે શાસનને મજબૂત કરીને લોકો માટેનાં લાભને તેમનાં ઘરઆંગણે લઈ જશે. આ પાંચ જિલ્લાની રચના બાદ હવે લદ્દાખમાં લેહ અને કારગિલ સહિત કુલ સાત જિલ્લા હશે.

વિસ્તારની દ્રષ્ટિએ લદ્દાખ ખૂબ મોટું કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હાલ લદ્દાખમાં બે જિલ્લા છે- લેહ અને કારગિલ. તે ભારતના સૌથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાંનો એક છે. અત્યંત મુશ્કેલ અને દુર્ગમ હોવાને કારણે હાલ જિલ્લા વહીવટીતંત્રને તળિયાના સ્તરે પહોંચવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ જિલ્લાઓની રચના બાદ હવે કેન્દ્ર સરકાર અને લદ્દાખ પ્રશાસનની તમામ જનકલ્યાણકારી યોજનાઓ લોકો સુધી સરળતાથી પહોંચી શકશે અને વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકશે. એમએચએનો આ મહત્વપૂર્ણ નિર્ણય લદ્દાખના સર્વાંગી વિકાસમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

પાંચ નવા જિલ્લાઓની રચના માટે “સૈદ્ધાંતિક મંજૂરી” આપવાની સાથે, ગૃહ મંત્રાલયે લદ્દાખ વહીવટીતંત્રને નવા જિલ્લાઓની રચના સાથે સંબંધિત વિવિધ પાસાઓ, જેમ કે મુખ્યાલયો, સરહદો, માળખું, પોસ્ટ્સની રચના, જિલ્લાની રચના સાથે સંબંધિત અન્ય કોઈ પણ પાસા વગેરેનું મૂલ્યાંકન કરવા અને ત્રણ મહિનાની અંદર પોતાનો અહેવાલ સુપરત કરવા માટે એક સમિતિની રચના કરવા જણાવ્યું છે. ઉક્ત સમિતિનો રિપોર્ટ મળ્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ આ રિપોર્ટના આધારે નવા જિલ્લાઓની રચના સંબંધી અંતિમ પ્રસ્તાવ ગૃહ મંત્રાલયને આગળની કાર્યવાહી માટે મોકલશે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર લદ્દાખના લોકો માટે અપાર સંભાવનાઓ ઉભી કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here