મહેસુલ વિભાગે શુક્રવારે જણાવ્યું કે, એક કરોડ રૂપિયાથી વધુના રોકડ ઉપાડ પર હવે 2 ટકાના દરે TDS કાપવાનો નિર્ણય લેવાયો છે. જે 1 સપ્ટેમ્બરથી લાગુ થશે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) એ કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષમાં 31 ઓગસ્ટ 2019 સુધી જે લોકો પહેલા જ એક કરોડ રૂપિયાનો રોકડ ઉપાડ કરી ચૂક્યા છે, તેમની પાસેથી આ પછીના કોઈ પણ ઉપાડ પર બે ટકાના દરે TDS લેવામાં આવશે.
સરકારે રોકડ ટ્રાન્ઝેક્શનને હતોત્સાહિત કરવા અને દેશને ઓછી રોકડવાળી અર્થવ્યવસ્થા બનાવવા માટે કેન્દ્રીય બજેટમાં એક કરોડ રૂપિયાથી વધુના કેશ વિથડ્રોઅલ પર 2 ટકાના દરે TDS લેવાની જોગવાઈ કરી છે. TDS બાબતે જણાવતા CBDT એ કહ્યું કે, આ જોગવાઈ એક સપ્ટેમ્બર, 2019થી લાગુ થશે.
એટલા માટે પહેલા કરવામાં આવેલ કેશ વિથડ્રોઅલ પર TDS કાપવામાં નહિં આવે. જો કે, નાણાકીય બિલની કલમ 194N હેઠળ રોકડ ઉપાડ ગણના એક એપ્રિલ 2019થી કરવામાં આવશે. આ હિસાબે કોઈ વ્યક્તિ 31 ઓગસ્ટ 2019 પહેલા પોતાના બેન્ક એકાઉન્ટ, પોસ્ટ ખાતા કે સહકારી બેન્ક ખાતામાંથી એક કરોડ અથવા તેનાથી વધુ રોકડ ઉપાડ કરી ચૂક્યા હોય તો આ પછી થનાર રોકડ ઉપાડ પર બે ટકા ટીડીએસ કાપવામાં આવશે.