વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં બિઝનેસ લીડર્સને સંબોધિત કરતા તેમને ભારતના વિકાસ અને આર્થિક સુધારાની વાત સંભળાવી. પીએમ મદોીએ ભારતનાવિકાસ માટે ચાર મહત્વના પરીબળો અંગે જણાવતા કહ્યું કે ‘ફોર ડી’ ફેક્ટર એટલે કે ડેમોક્રસી, ડેમોગ્રાફી, ડીમાન્ડ અને ડીસીસિવનેસના પગલે અમે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ભારતનું લોકતંત્ર, મહત્વાકાંક્ષી મધ્યમવર્ગ, વધતી માગ અને સરકારની નિર્ણાયક ક્ષમતાએ વૃદ્ધિની ઝડપ વધારી છે.
બ્લૂમબર્ગ સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે ૧૩૦ કરોડ ભારતીયોએ દર્શાવ્યું છે કે ેતમના માટે વિકાસ પ્રાથમિક્તા છે. આજે ભારતના લગભગ દરેક નાગરીક પાસે યુનિક આઈડી, મોબાઈલ ફોન અને બેન્ક એકાઉન્ટ છે, જેના કારણે ટાર્ગેટ સર્વિસ ડિલિવરીમાં ઝડપ આવી છે, લીકેજ બંધ થયા છે અને પારદર્શિતા અનેક ઘણી વધી છે.
તેઓ વેલ્થ ક્રિએશન અને બિઝનેસ કોમ્યુનિટીનું સન્માન કરે છે. અમે કોર્પોરેટ ટેક્સ ૩૫ ટકા હતો તે ઘટાડીને ૨૫.૧૭ ટકા જેટલો કરવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. બધા બિઝનેસ લીડર્સ તેને ઐતિહાસિક માને છે. નવી સરકારને ૩થી ૪ મહિના થયા છે અને હું કહીશ કે આ શરૂઆત છે. હજી ઘણો લાંબો સમય બાકી છે. ભારત સાથે ભાગીરાદીરી માટે દુનિયા સામે સુવર્ણ તક છે.
વડાપ્રધાને સમગ્ર દુનિયાના રોકાણકારોને ભારત આવવાનું આહ્વાન કરતાં કહ્યું કે અમારો મધ્યમ વર્ગ મહત્વાકાંક્ષી છે અને વૈશ્વિક દૃષ્ટિકોણવાળો છે. તેથી જો તમે નવા ટ્રેન્ડ સાથે રોકાણ કરવા માગતા હોવ તો ભારત આવો. અમારા યુવાનો એપ ઈકોનોમીના સૌથી મોટા વપરાશકાર છે. તમે સ્ટાર્ટઅપ્સમાં મોટા બજાર સાથે રોકાણ કરવા માગતા હોવ તો ભારત આવો. આ સાથે જ તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ અને ‘મેક ઈન ઈન્ડિયા’માં રોકાણ માટે પણ બિઝનેસ કોમ્યુનિટીને આમંત્રણ આપ્યું છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂ. ૧૦૦ લાખ કરોડ ખર્ચાશે
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું ેક ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર અમારી સરકાર જેટલું રોકાણ કરી રહી છે, તેટલું ક્યારેય કરાયું નથી. આગામી વર્ષોમાં અમે ૧૦૦ લાખ કરોડ રૂપિયા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરીશું. ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું અમારૂં લક્ષ્ય છે. ૨૦૧૪માં ભારત ૨ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર હતું. છેલ્લા પાંચ વર્ષમાં અમે ૧ ટ્રિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે. હવે અમે તેમાં ૧.૩ ટ્રિલિયન ડોલરનો વધારો કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ભારત આ લક્ષ્યાંકને હાંસલ કરવા અમારી પાસે ક્ષમતા, સ્થિતિ અને ઈચ્છાશક્તિ છે.
વૈશ્વિક આર્થિક ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ સુધર્યો
પીએમ મોદીએ કહ્યું કે ઈનોવેશન અંગે ભારતના યુવાનોને જે પ્રોત્સાહન મળી રહ્યું છે તેના કારણે અમેરિકા અને ચીન પછી ભારત યુનિકોર્નની બાબતમાં ત્રીજા નંબરે છે. લોજિસ્ટિક પરફોર્મન્સ ઈન્ડેક્સમાં ભારતે ૧૦ અંકની છલાંગ લગાવી છે. વૈશ્વિક સ્પર્ધાત્મક ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ ૧૩ અંક ઊછળ્યો છે. ભારતે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ૨૪ અંક અને વર્લ્ડ બેન્કની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્સમાં ૬૫ રેન્કનો સુધારો કર્યો છે,જે અભૂતપૂર્વ અને અસાધારણ છે.
કંપનીઓ માટે બ્યુરોક્રસી ઘટાડી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાંથી ટેક્સની જાળ હટાવીને અમે જીએસટી લાવ્યા. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં ૨૮૬ અબજ વિદેશી રોકાણ થયું છે, જે છેલ્લા ૨૦ વર્ષના કુલ વિદેશી રોકાણ કરતાં અડધુ છે. અમેરિકાએ છેલ્લા દાયકામાં જેટલું રોકાણ ભારતમાં કર્યું છે, તેનાથી અડધું માત્ર ૪ વર્ષમાં કર્યું છે. ટેક્સ રિફોર્મ સિવાય અમે ૩૭ કરોડ લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડયા છે. તેના પગલે પારદર્શિતા વધી છે. ડિરેગ્યુલેશન, ડિલાયસન્સિંગ અને ડિબોટલનેકિંગનું અમે અભિયાન ચલાવ્યું છે.
પહેલા વીજળી કનેક્શન લેવામાં ઉદ્યોગોને ઘણો સમય લાગતો હતો, પરંતુ હવે કેટલાક દિવસમાં તે મળી જાય છે. કંપની રજિસ્ટ્રેશન પણ અનેક દિવસો સુધી નહોતું થતું તે હવે કેટલાક ક્લાકનું કામ થઈ ગયું છે. રોકાણ વધારવા માટે એક પછી એક અનેક નિર્ણયોની જાહેરાત સરકારે કરી છે. તેમે કહ્યું કે નવી સરકારની રચના પછી ૫૦થી વધુ એવા કાયદા અમે ખતમ કર્યા છે. જે દેશના વિકાસમાં અવરોધરૂપ હતા.