નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે જણાવ્યું કે, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY) હેઠળ 1લી નવેમ્બર 2019 સુધીમાં રૂ.10 લાખ કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન સંતોષકુમાર ગંગવારે આજે લોકસભામાં લેખિત પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ અત્યાર સુધીમા 20.84 કરોડ લોન એકાઉન્ટમાં કુલ રૂ. 10.24 લાખ કરોડની રકમ લોન સ્વરૂપે આપવામાં આવી છે.
નોંધનિય છે કે, બિન કૃષિ નાના, સુક્ષ્મ અને મધ્યમ કદના ઉદ્યોગોને રૂ.10 લાખ સુધીનું ધિરાણ સરળતાથી મળી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 8મી એપ્રિલ 2019ના રોજ આ વડાપ્રધાન મંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જો કે કમનસીબે આ PMMY પણ વિવાદમાં સપડાઇ છે. તાજેતરમાં મુદ્રા યોજના હેઠળની કેટલીક લોન એનપીએ બની ગઇ છે તે મુદ્દે વિવાદ સર્જાયો છે. હવે બેન્કો ઉપર મુદ્રા લોનની એનપીએનો પણ બોજ વધ્યો છે.