એ વાતમાં હવે સચ્ચાઈ દેખાઈ રહી છે કે કોરોનાના કહેર વચ્ચે સમગ્ર દુનિયા પર ભયંકર આર્થિક મંદીનું સંકટ તોળાઈ રહ્યું છે. ગરીબી નાબુદીની દિશામાં કામ કરતી સંસ્થા ઓક્સફામે ગુરુવારે પોતાના રિપોર્ટમાં કહ્યું કે કોરોના વાયરસના કારણે દુનિયાની લગભગ અડધા અબજ જેટલી વસ્તી ગરીબીના દોજખમાંસામેલ થઇ શકે છે.
ઓક્સફામે ગુરુવારે કહ્યું કે કોરોનાવાયરસ ફેલાવવાથી 83,000થી વધુ લોકો માર્યા ગયા છે અને દુનિયાભરની અર્થવ્યવસ્થા પર કાળો કેર વર્તાયો છે. જેના કારણે અડધા અબજ જેટલી વસ્તી ગરીબીના અંધકારમાં ડૂબી શકે છે. નેરોબી સ્થિત ચેરિટી દ્વારા આગામી સપ્તાહના આંતરરાષ્ટ્રીય મુદ્રો કોષ (આઈએમએફ)/વિશ્વબેંકની વાર્ષિક બેઠક અગાઉ બહાર પડેલા રિપોર્ટમાં ઘરેલુ આવક કે વપરાશના કારણે વૈશ્વિક ગરીબી પર સંકટના પ્રભાવની ગણતરી કરાઈ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ઝડપથી સામે આવી રહેલું આ આર્થિક સંકટ 2008ના વૈશ્વિક નાણાકીય સંકટ કરતા પણ વધુ છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અગાઉ ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે કે દુનિયાની અર્થવ્યવસ્થા વર્ષ 1930 બાદ સૌથી મોટી આર્થિક મંદીનો ભોગ બની શકે છે. 1930માં અર્થવ્યવસ્થામાં આવેલી મહામંદીના કારણે દુનિયાની જીડીપી 15 ટકા ઘટી ગઈ હતી. જ્યારે વર્ષ 2008માં આવેલી આર્થિક મંદીના કારણે દુનિયાની જીડીપીને ફક્ત એક ટકાનું નુકસાન થયું હતું. પરંતુ હવે 2020માં આ નુકસાન 15થી 20 ઘણુ વધુ હોઈ શકે છે.
જે મારામારી સર્જાઈ છે તે માટે સંયુક્ત રાષ્ટ્રના શ્રમ યુનિટે કોરોના વાયરસના સંકટને બીજા વિશ્વ યુદ્ધ બાદનું સૌથી ભયાનક સંકટ ગણાવ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે કોરોના વાયરસ સંકટનાકારણે ભારતમાં અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરનારા લગભગ 40 કરોડ લોકો ગરીબીમાં ગરકાવ થઈ શકે છે અને અનુમાન છે કે આ વર્ષે દુનિયાભરમાં 19.5 કરોડ લોકોની નોકરી છૂટી શકે છે.