લાહોર, પાકિસ્તાન: પાકિસ્તાનની સિંધ સુગર મિલ્સ વર્કર્સ ફેડરેશન દ્વારા મંગળવારે સક્રિય સુગર મિલના કામદારોની નોકરીઓ પરત મેળવવા અને બાકી ચુકવણીની માંગ સાથે વિરોધ પ્રદર્શન અને ભૂખ હડતાલ કરવામાં આવી હતી. સુગર મિલોના કામદારો ઇકબાલ ખાન, માશુચ ચાંદિઓ, ખાલિદ ખાનઝાદા, અલી મોહમ્મદ જુનેજોએ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેમણે પોતાની માંગણીઓ માટે સ્થાનિક પ્રેસ કલબની સામે ભૂખ હડતાલનું પણ આયોજન કર્યું હતું.
સિંધ સુગર મિલ્સ વર્કર્સ ફેડરેશનના નેતાઓએ રેલીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સકરંદ સુગર મિલ્સના ખાતા બંધ થવાને કારણે કર્મચારીઓને છેલ્લા આઠ મહિનાથી પગાર ચૂકવાયો નથી. સકરંદ સુગર મિલના સંચાલકે હજારો કર્મચારીઓની સેવાઓ પણ સમાપ્ત કરી દીધી છે, જેના કારણે બરતરફ કરાયેલા કર્મચારીઓનાં પરિવારો આર્થિક સંકડામણ અને ભૂખમરોનો સામનો કરી રહ્યા છે. સિંધ સુગર મિલ્સ વર્કર્સ ફેડરેશને ચેતવણી આપી હતી કે, જો માંગણીઓ પુરી નહીં કરવામાં આવે તો તેઓ રોજગાર પુન;સ્થાપિત કરવા માટે પરિવારના સભ્યો સાથે રસ્તાઓ પર ઉતરશે.