ભારતીય શેરબજાર છેલ્લા કેટલાક દિવસોથી એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. કોઈ મોટો ઘટાડો જોવા નથી મળી રહ્યો, પરંતુ આ દરમિયાન અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રૂપની ઘણી કંપનીઓએ ઉત્તમ ત્રિમાસિક પરિણામો પોસ્ટ કર્યા છે, તેમ છતાં શેર સારો દેખાવ કરી રહ્યાં નથી.
જો આજની વાત કરીએ તો અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. હકીકતમાં, ગયા અઠવાડિયે સેબીએ અદાણીની 6 કંપનીઓને ‘કારણ બતાવો નોટિસ’ જારી કરી હતી. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અદાણી એન્ટરપ્રાઈઝને બે કારણદર્શક નોટિસ મોકલી છે.
સેબીનું કહેવું છે કે કંપનીએ લિસ્ટિંગ એગ્રીમેન્ટ અને ડિસ્ક્લોઝર જરૂરિયાતો (LODR રેગ્યુલેશન્સ) સંબંધિત નિયમોનું પાલન કર્યું નથી. જે કંપનીઓને નોટિસ મળી છે તેમના નામ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી વિલ્મર અને અદાણી ટોટલ ગેસ છે.
યુએસ સ્થિત હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ પર લગાવવામાં આવેલા આરોપોની સેબીની તપાસ બાદ સેબી દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી છે. સેબીની નોટિસ અનુસાર, એવો આરોપ છે કે કંપનીએ જરૂરી મંજૂરીઓ મેળવી નથી અને નાણાકીય નિવેદનોમાં જરૂરી જાહેરાતો આપી નથી.
આ સમાચાર બાદ અદાણી ગ્રૂપના શેરની મુવમેન્ટ બદલાઈ ગઈ છે. સોમવારે અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. સવારે 10 વાગ્યે અદાણી પોર્ટ્સના શેરમાં લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એ જ રીતે અદાણી પાવરના શેરમાં પણ લગભગ 4 ટકાનો ઘટાડો થયો હતો.
આ સિવાય અદાણી ગ્રીનના શેરમાં લગભગ 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં સોમવારે સવારે 3 ટકાનો ઘટાડો થયો હતો. અદાણી ટોટલ ગેસનો શેર અઢી ટકાથી વધુ તૂટ્યો હતો.
અદાણી વિલ્મરના શેરમાં પણ 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અંબુજા સિમેન્ટના શેરમાં પણ 3 ટકાનો ઘટાડો થયો હતો. ACC લિમિટેડના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો હતો. આ સિવાય NDTVના શેરમાં પણ લગભગ 2 ટકાનો ઘટાડો થયો હતો.
જો કે, જ્યારે સેબીએ ‘કારણ બતાવો નોટિસ’ જારી કરી હતી, ત્યારે અદાણી જૂથની કંપનીઓએ કહ્યું હતું કે શેર પર તેની કોઈ અસર થશે નહીં. પરંતુ હવે જે રીતે શેર્સ ઘટી રહ્યા છે તે જોતા લાગે છે કે બીજું કોઈ કારણ છે?