અમિત શાહે દેશમાં પૂર વ્યવસ્થાપનની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં પૂર વ્યવસ્થાપન માટેની યોગ્ય તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ દેશમાં પૂરની સમસ્યાને ઘટાડવા માટે વ્યાપક અને દૂરગામી નીતિ ઘડવા માટે લાંબા ગાળાના પગલાંની પણ સમીક્ષા કરી હતી.

બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ ગયા વર્ષે યોજાયેલી બેઠકમાં લીધેલા નિર્ણયો પર લેવાયેલી કાર્યવાહીની પણ સમીક્ષા કરી હતી. આ સાથે તમામ એજન્સીઓ દ્વારા અપનાવવામાં આવતી આધુનિક ટેકનોલોજી અને તેમના નેટવર્કના વિસ્તરણ અંગે પણ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી. શ્રી અમિત શાહે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) નો સામનો કરવા માટેની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. તેમણે પૂર નિયંત્રણ માટે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા પૂરી પાડવામાં આવેલ સેટેલાઈટ ઈમેજનો વિવિધ એજન્સીઓ દ્વારા મહત્તમ ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું આપત્તિ વ્યવસ્થાપન “ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમ” સાથે આગળ વધી રહ્યું છે. ગૃહમંત્રીએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પૂર વ્યવસ્થાપન માટે એનડીએમએ દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીને સમયસર લાગુ કરવા અપીલ કરી હતી. તેમણે હવામાન વિભાગ અને સેન્ટ્રલ વોટર કમિશનને દર વર્ષે વરસાદ અને પૂરની ચેતવણીમાં વપરાતા તમામ સાધનોને ‘કેલિબ્રેટ’ કરવાનો નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે સિક્કિમ અને મણિપુરમાં તાજેતરના પૂરનો વિગતવાર અભ્યાસ કરવા અને ગૃહ મંત્રાલયને અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે દેશના તમામ મોટા ડેમના ફ્લડગેટ્સ સરળતાથી કામ કરે તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે, કેન્દ્રીય જળ આયોગના ફ્લડ મોનિટરિંગ કેન્દ્રો જરૂરિયાત મુજબ અને આંતરરાષ્ટ્રીય ધોરણના હોવા જોઈએ.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે જે નદીઓ બારમાસી નથી, ત્યાં વધુ માટીનું ધોવાણ થાય છે અને કાંપ પૂરનું કારણ બને છે. તેમણે નિર્દેશ આપ્યો હતો કે નદીઓના જળસ્તરની આગાહીને અપગ્રેડ કરીને પૂરની સમસ્યાને ઘટાડવાના પ્રયાસો કરવા જોઈએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, પૂરના કિસ્સામાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો કરવા માટે, કુદરતી ગટરનો સમાવેશ માર્ગ નિર્માણની ડિઝાઇનમાં જ કરવો જોઈએ. શ્રી શાહે કહ્યું કે ઉત્તર-પૂર્વમાં ઓછામાં ઓછા 50 મોટા તળાવો બનાવીને બ્રહ્મપુત્રા નદીના પાણીને ડાયવર્ટ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ, જેથી પૂરથી રાહત મળે અને ખેતી, સિંચાઈ અને પ્રવાસનનો વિકાસ થાય. તેમણે કહ્યું કે આનાથી સ્થાનિક અર્થતંત્રને પણ ફાયદો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here