દિસપુર: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે વાંસમાંથી બાયો ઇથેનોલના ઉત્પાદન માટે દેશનું પ્રથમ બાયો-રિફાઇનરી યુનિટ ઓક્ટોબર સુધીમાં આસામમાં તૈયાર થવાની અપેક્ષા છે. કેરળ મોટર વાહન વિભાગ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ઈ-મોબિલિટી અને વૈકલ્પિક ઈંધણ પરિષદ ઈવોલ્વ-2023માં બોલતા શ્રી તેલીએ જણાવ્યું હતું કે આસામમાં જાહેર ક્ષેત્રની નુમાલીગઢ રિફાઈનરી પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
મકાઈ અને ચોખા જેવા ખાદ્યપદાર્થ માંથી બાયો ઇથેનોલ નું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ વાંસ માંથી ઈથેનોલનું ઉત્પાદન કરનાર આ દેશનું પ્રથમ એકમ હશે, એમ તેમણે જણાવ્યું હતું. હાલમાં અમે 12% ઇથેનોલનું મિશ્રણ કરી રહ્યા છીએ, અને 2025 સુધીમાં તેને 20% સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. તેલીએ જણાવ્યું હતું કે તેલની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે ગ્રીન હાઇડ્રોજન અને વૈકલ્પિક ઇંધણ જેવા વિકલ્પોની શોધ કરવી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે દેશ તેની ક્રૂડ ઓઈલની લગભગ 83% જરૂરિયાત માટે આયાત પર નિર્ભર છે, જેને ઘટાડવાની જરૂર છે.