એક બાજુ કોરોનાને કારણે આખો દેશ પરેશાન છે ત્યાં ગઈકાલે વિશાખાપટનમમાં ગેસ લીકની ઘટના બની હતી.પરંતુ આજે સવારે 6:30 વાગ્યાના અરસામાં મહારાષ્ટ્રના ઔરંગાબાદના કરમાડ રેલવે સ્ટેશન નજીક રેલ્વેના પાટા પર 19 મજૂરો સુઈ ગયા હતા તેના પર માલગાડી પસાર થતા 16 મજ઼દૂરો માલગાડી નીચે કચડાતા મોત નિપજ્યા હતા. જ્યારે 2 મજૂરોનો આબાદ બચાવ થયો છે અને એક મજૂર ઘાયલ છે.
આ મજદૂરો પોતાના ઘર મધ્ય પ્રદેશ જઈ રહ્યાં હતાં. આરામ કરવા માટે પાટા પાસે રોકાયેલા હતાં. ઔરંગાબાદ જિલ્લાના કરમાડ રેલવે સ્ટેશન નજીક આ ઘટના બનવા પામી હતી. આ દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પ્રશાસન અને રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કોરોના વાયરસને લઈને અનેક જગ્યાએ હજારોની સંખ્યામાં મજૂરો પગપાળા જ પોતાના ઘરે જવા માટે નીકળી ગયા હતાં. આવામાં રાતે રોકાવવા માટે સેકડો મજૂરોએ રેલવે ટ્રેનોના ટ્રેકનો સહારો લીધો હતો. મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તમામના પરિવારને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.તેમણે રેલ્વે મંત્રી સાથે વાતચીત કરીને ઘાયલોની સારવાર માટે જણાવ્યું હતું.
દરમિયાન સેન્ટ્રલ રેલ્વે દ્વારા જારી કરાયેલા એક બયાનમાં કહ્યું છે કે ઘણા મજદૂરો ઓરંગાબાદથી ચાલીને જઈ રહ્યા હતા તેમના કેટલાક ટ્રેક પર સુઈ ગયા હતા અને એજ સમયે માલગાડી આવી જતા તેના પર ટ્રેન ફરી વળી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાનું દુઃખ વ્યકત કરતા જણાવ્યું હતું કે આ આ ઘટનાથી હું દુઃખી છું અને તેમને તુરંત જ રેલ્વે મંત્રી પિયુષ ગોયલ સાથે વાતચીત કરીને તમામ મદદ કરવા જણાવ્યું હતું.