ભારતના અત્યંત મહત્વપૂર્ણ ચંદ્રયાન-2 મિશનને છેક ચંદ્રની સપાટીની નજીક પહોંચ્યા પછી નિષ્ફળતા મળી છે. વિક્રમ લેન્ડરે તેનો અત્યંત મહત્વનો 15 મિનિટનો ફેઝ સફળતાપૂર્વક પાર કર્યો હતો. ત્યાર પછી બીજા ફેઝમાં તે જ્યારે ચંદ્રની સપાટીથી 2.1 કિમી દૂર હતું ત્યારે તેનો ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક તુટી ગયો હતો. આ પ્રસંગે વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને આશ્વાસન આપતા કહ્યું કે, ચિંતા ન કરો, દેશને તમારા પર ગર્વ છે. આપણે ફરીથી આગળ વધીશું.
વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તુટી ગયા પછી ઈસરોના તમામ વૈજ્ઞાનિકોના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ હતી. વિક્રમ લેન્ડરનો મધ્ય રાત્રીએ 1.56 મિનિટે ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક તુટી ગયો હતો. આ સમયે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીથી 2.1 કિમી દૂર હતું. સંપર્ક તુટી ગયા પછી બધા વૈજ્ઞાનિકો એક-બીજા સાથે ચર્ચા કરવા લાગ્યા હતા કે, બધું જ સારી રીતે અને યોગ્ય દિશામાં ચાલતું હતું ત્યારે અંતિમ ઘડીમાં આ શું થઈ ગયું? ઈસરોના વડા કે. સિવને સમગ્ર મિશન અંગે વૈજ્ઞાનિકો સાથે વાતચીત કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને મળવા માટે નીચે આવ્યા હતા.
તેમણે વૈજ્ઞાનિકો સાથે હાથ મિલાવ્યો. તેમણે જણાવ્યું કે, જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. હું જોઈ રહ્યો હતો કે સંપર્ક તુટી ગયો હતો અને તમારા બધાના ચહેરા ઢીલા પડી ગયા હતા. તમે દેશની ઘણી મોટી સેવા કરી છે. તમે માનવજાતની ઘણી મોટી સેવા કરી છે. હું સંપૂર્ણપણે તમારી સાથે છું. તમારા પુરુષાર્થને કારણે જ દેશ ફરીથી ખુશીઓ મનાવશે. ઓલ ધ બેસ્ટ, થેંક્યુ.
ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાંથી સાયન્સ ક્વીઝમાં વિજેતા બનીને આવેલા 70 વિદ્યાર્થીઓને મળ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને સફળતા અને પ્રેરણા કેવી રીતે મેળવવી તેનો સવાલ પુછ્યો હતો. જેના જવાબમાં વડાપ્રધાને જણાવ્યું કે, “સૌથી પહેલા તમારું લક્ષ્ય નક્કી કરો. પછી તેને નાના-નાના ટુકડામાં વહેંચી નાખો અને પાયાથી શરૂઆત કરો. જ્યાં પણ નિષ્ફળતા મળે, નિરાશા મળે તો તેને ભુલી જાઓ અને સફળતાને યાદ રાખીને આગળ વધતા રહો. તમે તમારા લક્ષ્યમાં જરૂર સફળ થશો.”
ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-2 ભારતના ચંદ્રયાન-1 પછીનું બીજું મિશન હતું. ચંદ્રયાન-2માં ઓર્બિટર, લેન્ડર(વિક્રમ) અને રોવર(પ્રજ્ઞાન) સામેલ હતા. ચંદ્રયાન-2 દ્વારા ઈસરો ચંદ્રયાન-1ના વૈજ્ઞાનિક ઉદ્દેશ્યોને વધુ આગળ લઈ જવા માગતું હતું. ચંદ્રની ધરતી પર સફળ ઉતરાણ કર્યા પછી ઈસરો ચંદ્રની સપાટી, ચંદ્ર પર રહેલા ખડકો, ચંદ્રના વાતાવરણ અને ચંદ્ર પર પાણી કે બરફનું અસ્તિત્વ છે કે નહીં તેનો અભ્યાસ કરવા માગતું હતું.
ભારતીય અંતરીક્ષ એજન્સી ઈસરોનો અંતરીક્ષ ક્ષેત્રે સોનેરી ઈતિહાસ છે. ઈસરોએ અત્યાર સુધી 75 મિશન પાર પાડ્યા છે, બે રી-એન્ટ્રી મિશન છે. ઈસરો દ્વારા અત્યાર સુધી 105 ઉપગ્રહનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેને સફળતાપૂર્વક અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરાયા છે. આ સાથે જ ઈસરોએ અત્યાર સુધીમાં 297 વિદેશી સેટેલાઈટ અને 10 વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા ઉપગ્રહને અંતરીક્ષમાં પ્રક્ષેપિત કર્યા છે.