સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં અમુલ બાદ હવે કોકાકોલા કંપની દ્વારા પણ જાયન્ટસ પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. આ માટે હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ (એચસીસીબી) દ્વારા રાજય સરકાર સાથે એમઓયુ પણ કરી દેવામાં આવેલ છે.
હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ કંપનીના ચીફ પબ્લીક અફેર્સ કોમીનીકેશન્સ એન્ડ સસ્ટેનેબીલીટી ઓફિસર હિમાંશુ પ્રિયદર્શીએ રાજકોટમાં આ પ્લાન્ટ સ્થાપવા માટે 3000 કરોડના રોકાણની જાહેરાત કરી દીધી છે.
આ અંગે હિમાંશુ પ્રિયદર્શનીએ જણાવ્યું હતું કે રાજકોટમાં અમારૂ આ રોકાણ એ ગુજરાતના લોકો પ્રત્યેની અમારી પ્રતિબધ્ધતા અને માન્યતાનો પુરાવો છે. આ પ્રોજેકટને પ્રાદેશિક વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે ધારીએ છીએ તે સ્થાનિક પ્રતિભાવ માટે નવી તકો લાવશે. અને ગુજરાતની આર્થિક અને સામાજીક પ્રગતિ માટે અમારી પ્રતિબધ્ધતાને વધુ મજબુત કરશે.
ગુજરાતમાં આ કંપનીના નેટવર્કમાં અંદાજે 285 વિતરકો અને 224000થી વધુ રીટેલર્સ છે. ખેડા જીલ્લાના ગોબલેબ્સ તેમજ અમદાવાદના સાણંદ બાદ રાજકોટમાં પણ હવે કંપની તેનો પ્લાન્ટ સ્થાપનાર છે. આ પ્લાન્ટ માટે તેઓએ 3000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી.
અહીં એ ઉલ્લેખનીય છે કે, અમુલ કંપનીએ પણ તેનો પ્લાન્ટ સ્થાપવા માટે રાજકોટ કલેકટર તંત્ર પાસેથી ગઢકા નજીક જમીન મેળવી છે. હવે કોકાકોલા કંપની દ્વારા પણ રાજકોટમાં તેનો જાયન્ટ પ્લાન સ્થાપવા માટે ગતિવિધિ તેજ બની છે. આ પ્લાન્ટ સ્થપાતા જ બેરોજગારોને રોજગારીની તકો સાંપડશે. કલેકટર તંત્રના સુત્રોએ જણાવ્યું હતું કે આ કંપની દ્વારા પ્લાન્ટ માટે જમીન સંપાદનની માગણી મુકાતા સરકારની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી આગળ વધશે.
જોકે કલેકટર પ્રભાવ જોષીનો આ મામલે સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે કોકાકોલા કંપની દ્વારા આ પ્લાન્ટ માટે હજુ સુધી તેમની પાસે દરખાસ્ત આવી નથી. જોકે કંપનીએ તેના પ્લાન્ટ માટે રાજકોટમાં 3000 કરોડના રોકારની જાહેરાત કરી દીધી છે.
રાજયમાં રાજકોટ ખાતે કોકાકોલા કંપનીનો આ પ્લાન્ટ સ્થપાતા કર્મચારીઓની સંખ્યા બમણાથી વધુ 1500 થઈ જશે. કંપની દ્વારા દેશમાં 16 કારખાનાનું સંચાલન થઈ રહ્યું છે. જેમાં વિવિધ 7 શ્રેણીઓમાં 60 જેટલા પ્રોડકટોનું પ્રોડક્શન થઈ રહ્યું છે. 31 માર્ચ 2023ના પૂર્ણ થતા નાણાકીય વર્ષ માટે કંપનીએ પોતાના પરીચાલનથી બાદ 73512 કરોડનું રાજસ્વ મેળવ્યું છે.