પ્રધાનમંત્રીએ ચક્રવાત ‘બિપરજોય’ અંગેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ આજે તોળાઈ રહેલા ચક્રવાત ‘બિપરજોય’ને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર તેમજ ગુજરાતના મંત્રાલયો/એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને તમામ આવશ્યક સેવાઓ જેવી કે પાવર, ટેલિકોમ્યુનિકેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરેની જાળવણી સુનિશ્ચિત કરવા અને તેમને થયેલા નુકસાનની તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે એ પણ નિર્દેશ આપ્યો કે પ્રાણીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઈએ. તેમણે વધુમાં કંટ્રોલ રૂમની 24*7 કામગીરી માટે નિર્દેશ આપ્યો હતો.

મીટિંગ દરમિયાન, ભારતીય હવામાન વિભાગે (IMD) માહિતી આપી હતી કે ચક્રવાત ‘બિપરજોય’ 15મી જૂનના રોજ બપોર સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે જખાઉ બંદર (ગુજરાત) નજીક સૌરાષ્ટ્ર અને કચ્છને ખૂબ જ ગંભીર ચક્રવાત વાવાઝોડા તરીકે પાર કરે તેવી શક્યતા છે. જે દરમિયાન 125 થી 135 કિમી પ્રતિ કલાકની મહત્તમ ગતિ સાથે પવન ફૂંકાઈ અને તેની ઝડપ વધીને 145 કિમી પ્રતિ કલાકની થઈ શકે તેવી શક્યતા છે. 14-15 જૂનના રોજ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં અતિભારે વરસાદ અને પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં થોડા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. IMD એ માહિતી આપી હતી કે તે 6 જૂને ચક્રવાતી સિસ્ટમની શરૂઆતથી તમામ રાજ્યો અને સંબંધિત એજન્સીઓને નવીનતમ આગાહી સાથે નિયમિત બુલેટિન જારી કરી રહી છે.

એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલય (MHA) પરિસ્થિતિની 24*7 સમીક્ષા કરી રહ્યું છે અને રાજ્ય સરકાર અને સંબંધિત કેન્દ્રીય એજન્સીઓના સંપર્કમાં છે. NDRF એ 12 ટીમોને પૂર્વ-સ્થિતિમાં મૂકી છે, જે બોટ, ટ્રી-કટર, ટેલિકોમ સાધનો વગેરેથી સજ્જ છે અને 15 ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ અને નેવીએ રાહત, શોધ અને બચાવ કામગીરી માટે જહાજો અને હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. આર્મીના એરફોર્સ અને એન્જિનિયર ટાસ્ક ફોર્સ યુનિટ, બોટ અને બચાવ સાધનો સાથે, તૈનાત માટે સ્ટેન્ડબાય પર છે. સર્વેલન્સ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર દરિયાકાંઠે સીરીયલ સર્વેલન્સ કરી રહ્યા છે. આર્મી, નેવી અને કોસ્ટ ગાર્ડની ડિઝાસ્ટર રિલીફ ટીમો (ડીઆરટી) અને મેડિકલ ટીમો (એમટી) સ્ટેન્ડબાય પર છે.

પ્રધાનમંત્રીને ચક્રવાતનો સામનો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે પણ માહિતી આપવામાં આવી હતી. મુખ્યમંત્રીના સ્તરે જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠકો યોજવામાં આવી છે અને રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. ઉપરાંત, કેબિનેટ સચિવ અને ગૃહ સચિવ ગુજરાતના મુખ્ય સચિવ અને સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો/એજન્સીઓના સતત સંપર્કમાં છે.

આ બેઠકમાં ગૃહમંત્રી, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here