દિવાળી પછી ખાસ કરીને ગુજરાતના શહેરોમાં કોરોનાના કેસમાં ભારે વધારો થતા ગુજરાત સરકારે રાજ્યના ચાર મુખ્ય શહેર અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ લગાવી દીધો છે.
આજે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે એક પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદમાં સોમવાર સવાર સુધી કર્ફ્યુ લગાડવામાં આવ્યો છે. જયારે સુરત,રાજકોટ અને વડોદરામાં આવતીકાલ એટલે કે શનિવારથી રાત્રીના 9 થી સવારના 6 સુધી કર્ફ્યુ લગાડવામાં આવ્યો છે. આ કર્ફ્યુ બીજીકોઈ જાહેરાત ન થાય ત્યાં સુધી અમલી બની રહેશે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ ચાર મહાનગરમાં કર્ફ્યુ લગાવતા પેહેલા મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તેમજ અધિકારીઓ દ્વારા વિવિધ એસોસિયેશન અને સંસ્થાના સૂચનો મંગાવ્યા હતા અને તેના આધારે આ કર્ફ્યુ લગાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ કર્ફ્યુ દરમિયાન પેટ્રોલ પમ્પ ,મેડિકલ સ્ટોર,રેલવે અને એરપોર્ટ યથાવત ખુલ્લા રહેશે અને ટેક્સી સર્વિસને ત્યાંથી છૂટ આપવામાં આવી છે.ઉપરાંત મીડિયાને પણ આ કર્ફયુમાં મુક્તિ આપવામાં આવી છે.
દરમિયાન આજે રાજ્યમાં 1420 જેટલા નવા કેસ સામે આવ્યા છે અને એકલા અમદાવાદ શહેરમાં જ 305 નવા કેસ સામે આવ્યા છે. જોકે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ છે અને પ્રજાએ સોસીયલ મીડિયામાં હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી તેવી ચાલતી અફવાથી દૂર રહેવાની સલાહ આપી હતી.