ગોવામાં સંજીવની સુગર મિલને લઈને રાજકારણ ગરમાયું છે. વિપક્ષી નેતા દિગંબર કામતે દાવો કર્યો છે કે સરકાર મિલો બંધ કરી રહી છે. સરકાર દ્વારા મિલને બંધ કરવા અંગે હજુ સુધી કોઈ ઔપચારિક નિવેદન આવ્યું નથી. દિગંબર કામતે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નિયુક્ત વહીવટકર્તાએ ગોવાના પ્રથમ મુખ્ય પ્રધાન દયાનંદ બાંદોડકર દ્વારા સ્થાપિત કરાયેલી સંજીવની સુગર મિલને કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સરકારનો આ નિર્ણય ગોવાના શેરડીના ખેડુતોના હિતની વિરુદ્ધ છે.
તેમણે દાવો કર્યો, મને સહકાર પ્રધાન ગોવિંદ ગૌડે સ્પષ્ટપણે ખાતરી આપી હતી કે સંજીવની સુગર મિલ બંધ નહીં થાય અને શેરડીના ખેડુતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે પરંતુ આશ્ચર્યજનક વાત છે કે સરકારે ખાતરી આપીને યુ-ટર્ન લીધો છે. હું મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતને પૂછવા માંગુ છું કે સરકારે કોરોના વાઇરસના સમયે અચાનક નિર્ણય કેમ લીધો?
કામતે જણાવ્યું કે, સંજીવની સુગર મિલ એ બાંદોડકરનો એક ડ્રિમ પ્રોજેક્ટ હતો. તેમણે ગોવામાં સ્થાનિક શેરડી ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે આ મિલની સ્થાપના કરી હતી. સરકારે કોઈને વિશ્વાસમાં લીધા વિના મિલ બંધ કરવાની જાહેરાત કરી છે. કામતે જણાવ્યું હતું કે, હું ગોવિંદ ગૌડને સંજીવની સુગર મિલની જમીનના ઉપયોગ અંગે તમામ ખેડુતો અને હિસ્સેદારોને વિશ્વાસમાં લેવા વિનંતી કરું છું. મંત્રી ગોવિંદ ગૌરએ કોઈ અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલા સૌનો અભિપ્રાય લેવો જોઈએ.