Digital India can boost Gujarat’s traditional industries: Minister of State Rajeev Chandrasekhar
ઇલેક્ટ્રોનિક્સ અને IT તેમજ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે આજે જણાવ્યું હતું કે, ગુજરાત દ્વારા હાથ ધરવામાં આવેલી ડિજિટલ ઇન્ડિયા પહેલો હીરા, કાપડ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા તેના પરંપરાગત ઉદ્યોગોને સમર્થન આપવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવી શકે છે.
સુરત ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકોને સંબોધન કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતના ભવિષ્યને તેના પરંપરાગત ક્ષેત્રોની સાથે સાથે ડિજિટલ ટેકનોલોજી દ્વારા દોરી શકાય છે. જો ‘S’ નો અર્થ સુરત છે, તો તેનો અર્થ સ્ટાર્ટઅપ્સ પણ થાય છે, ડાયમંડનો ‘D’, ડિજિટલનું પ્રતીક પણ બની શકે છે અને ટેક્સટાઇલનો ‘T’, ટેકનોલોજી માટે પણ હોઇ શકે છે.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયાના વિચારને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રેસર રહેતું હોવાની પ્રસંશા કરતાં શ્રી ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “જો ભારત સમગ્ર દુનિયા માટે સેમિકન્ડક્ટર રાષ્ટ્ર બનવા જઇ રહ્યું છે, તો ગુજરાત સમગ્ર ભારતમાં પોતાની સેમિકન્ડક્ટર નીતિ ઘડનારું દેશનું પ્રથમ સેમિકન્ટક્ટર રાજ્ય હશે.”
આવનારા દાયકાને ભારતના ટેકડ તરીકે ઉલ્લેખ કરતા, જે યુવાનો માટે તકો ઉભી કરશે, તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતે કોવિડના કારણે મોટો આંચકો લાગ્યો હોવા છતાં ઘણા સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે. શ્રી ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, માત્ર સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્ન્સની સંખ્યામાં જ વધારો થયો છે એવું નથી, પરંતુ તેમણે નવા અવસરો પણ ઉભા કર્યા છે. તેમણે ટાંક્યું હતું કે, “આજે આપણી પાસે ડ્રોન ક્ષેત્રમાં 680 ઇનોવેટર્સ છે અને 120 સ્પેસ ટેકનોલોજી છે જેઓ લોન્ચ વ્હીકલ્સ, મિશન કંટ્રોલ વ્હીકલ્સ વગેરેમાં છે – આવું તો પહેલાં ક્યારેય સાંભળ્યું પણ નહોતું.”
તમામ ભારતીયોના સશક્તીકરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીને શેર કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “અગાઉના સમયમાં, ભારતમાં લોકશાહી નિષ્ક્રિય હતી, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને છીંડા હતા, જ્યારે આજે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમે લાભાર્થીઓને સબસિડી અને જાહેર સેવાઓના વિતરણમાં કાર્યક્ષમતા લાવવાનું સુનિશ્ચિત કર્યું છે. લાભાર્થી માટે ફાળવવામાં આવતો એક એક પૈસો ડાયરેક્ટ એકાઉન્ટ ટ્રાન્સફર દ્વારા સીધો તેમના સુધી પહોંચે છે.”
શ્રી ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “ડબલ એન્જિન કી સરકાર કરે સપને સાકર” (રાજ્યોમાં અને કેન્દ્ર બંને જગ્યાએ સત્તારૂઢ ભાજપ સાથે એટલે કે બધા માટે વધુ સારો વિકાસ)નું સૂત્ર રાજકીય ન હતું અને તે એવી સાચી આર્થિક ભાગીદારી બતાવે છે જેના પરિણામે ખાસ કરીને યુવાનો સહિત સૌના માટે તકો ઊભી થાય છે.
મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે ‘પ્રશ્નોત્તરી’ સત્રમાં ભાગ લીધો હતો અને ગુજરાતમાં કૌશલ્યની તકોથી માંડીને MSMEની વૃદ્ધિ તેમજ જિલ્લા કૌશલ્ય વિકાસ યોજનાની તૈયારી જેવા વિષયો પરના તેમના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
બાદમાં શ્રી ચંદ્રશેખરે સાર્વજનિક યુનિવર્સિટી, ગુજરાત ખાતે યોજવામાં આવેલા સત્રમાં ઉદ્યોગજગતના અગ્રણીઓ, શિક્ષણવિદો અને શહેરના અન્ય પ્રતિષ્ઠિત લોકો સાથે સંવાદ કર્યો હતો.
(Source: PIB)