ચંડીગઢ: કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને ભારે પવને સમગ્ર રાજ્યમાં ઘઉંના પાકને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું છે. કૃષિ વિભાગના અનુમાન મુજબ, પંજાબને આ ઘઉંની લણણીની સિઝનમાં 10 થી 15 ટકા ઉપજનું નુકસાન થઈ શકે છે. રાજ્યમાં કુલ 34.90 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. ફાઝિલકા એવા જિલ્લાઓમાં સામેલ છે જેઓને સૌથી વધુ નુકસાન થયું છે. અહેવાલો અનુસાર, ઘઉંના પાકને 50 ટકા અસર થઈ છે. મોગા, ભટિંડા, માનસા, મુક્તસર, ફિરોઝપુર, કપૂરથલા અને પટિયાલા જિલ્લામાં 15 થી 20 ટકા ઘઉંના પાકને નુકસાન થયું છે. કૃષિ નિયામક ડૉ. ગુરવિન્દર સિંઘે જણાવ્યું હતું કે પ્રાથમિક અંદાજ મુજબ આ વર્ષે ઘઉંની લણણી 10 થી 15 ટકા ઓછી થવાની ધારણા છે.
પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (PAU) ના ક્લાયમેટ ચેન્જ અને કૃષિ હવામાનશાસ્ત્ર વિભાગના વડા પવનીત કૌર કિંગરાએ જણાવ્યું હતું કે વરસાદની સાથે પવનોએ પણ વિનાશ વેર્યો છે. જોરદાર પવન અને વરસાદ પાકના આ તબક્કે લણણીમાં વિલંબ કરશે. ગત રાત્રે સંગરુરમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘઉંનો પાક નાશ પામ્યો હતો. ઉપરાંત પાણી ભરાઈ જવાથી મુશ્કેલીઓ સર્જાઈ છે. જેના કારણે ઘઉં સડી જવાની સંભાવના છે.પાક નિષ્ફળ જવાથી ખેડૂતો પરેશાન છે. તેઓ તેમના ખેતરોમાં જઈને નુકસાનનું મૂલ્યાંકન કરતા જોવા મળ્યા હતા.