ચંદીગઢ: હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજે માહિતી આપી હતી કે, હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડરોની અછતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યના તમામ ફેક્ટરી માલિકોને સિલિન્ડર સરકારના કબજામાં જમા કરવા સૂચના આપી છે.
અનિલે વિજે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “હરિયાણાના તમામ ફેક્ટરી માલિકોને સંબંધિત ડેપ્યુટી કમિશનરો પાસે તમામ સિલિન્ડરો જમા કરવા સૂચના આપવામાં આવી છે કારણ કે હોસ્પિટલોમાં સિલિન્ડરોની ભારે અછત છે.”
મંત્રીએ ટ્વિટર પર કહ્યું, “હરિયાણા સરકારે કોવિશિલ્ડ રસી માટે 40 લાખ અને કોવાક્સિન રસી માટે 26 લાખનો ઓર્ડર આપ્યો છે. હરિયાણામાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આ રસી નિ:શુલ્ક આપવામાં આવશે. ”
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શનિવારે માહિતી આપી હતી કે 1 મેથી રાજ્યમાં 18 વર્ષથી વધુની ઉંમરના 1.1 કરોડ લોકોને COVID-19 ની રસી આપવામાં આવશે અને રસી પર 880 કરોડ ખર્ચ કરવામાં આવશે. રસીકરણ માટેની નોંધણી 28 એપ્રિલથી શરૂ થશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, હરિયાણામાં સોમવારે સવારે 8 વાગ્યા સુધી 74,248 સક્રિય કેસ છે. કુલ 3,46,304 સાજા થયા છે, જ્યારે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 3,767 પર પહોંચી ગયો છે.