લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં, શેરડીના બાકી નાણાં માટે ખેડૂતોને 1 લાખ કરોડથી વધુની ચુકવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ગયા મહિને કહ્યું હતું કે,તેમની સરકાર 2017 માં અસ્તિત્વમાં આવી ત્યારથી, રાજ્યના 47 લાખ શેરડી ખેડુતોના બેંક ખાતાઓમાં 1,00,800 કરોડ રૂપિયાની રેકોર્ડ શેરડીની ચુકવણી કરવામાં આવી છે. જોકે, ઘણા ખેડૂત આગેવાનોએ દાવો કર્યો હતો કે હજુ કરોડો રૂપિયાની ચુકવણી બાકી છે. કિસાન ખેતી સંઘના અધ્યક્ષ ચૌધરી પુષ્પેન્દ્રસિંહે કહ્યું કે, હજુ પણ સુગર મિલો પર શેરડીના ખેડુતોના 14,000 કરોડ બાકી છે. ખરીફ વાવણીના ખર્ચને પહોંચી વળવા ખેડૂતોના હાથમાં પૈસા હોવા જરૂરી છે.
શામલીના ખેડૂત આગેવાન જીતેન્દ્ર હૂડાએ જણાવ્યું હતું કે લોકડાઉન સમયગાળા દરમિયાન, શહેરી વિસ્તારોમાં કામ કરતા મોટાભાગના પરિવારના સભ્યો કામ કર્યા વિના ઘરે પરત ફર્યા છે. ખેડુતોએ ખેતી માટે જમીન તૈયાર કરવાની જ નહીં, પરંતુ તેમના પરિવારની સંભાળ પણ લેવી પડશે. આ માટે ખેડુતોને પૈસાની જરૂર છે.