પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.
હરિયાણાના રોહતકના શ્રી સંદીપ, એક ખેડૂત અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિના લાભાર્થી છે, અને 11 લોકોના સંયુક્ત પરિવારમાં રહે છે.
વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ એવી ઘટનાઓનું વર્ણન કર્યું હતું, જેમાં લોકોને તેમનાં ખાતામાં સીધાં જમા થતાં નાણાંની જાણકારી નહોતી. આવા લોકોને જે સહાય મળી રહી છે તેનાથી વાકેફ કરવામાં આવ્યા હતા. શ્રી સંદીપે પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે, સન્માન નિધિ સ્વરૂપે પ્રાપ્ત થયેલાં નાણાં ખાતરો અને બિયારણ ખરીદવામાં ઉપયોગી છે તથા ખેતીમાં મદદરૂપ થાય છે.
પ્રધાનમંત્રીને રાશન વિતરણની સરળ કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ હરિયાણાના મુખ્યમંત્રી દ્વારા કડક અમલની નોંધ લીધી હતી. ગામમાં ‘મોદી કી ગેરંટી કી ગાડી’નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્રી મોદીએ સ્થળ પર મહિલાઓની વિશાળ હાજરીની નોંધ લીધી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા માટે તેમના આશીર્વાદ માંગ્યા હતા.
(Source: PIB)