નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી છે. દિલ્હીમાં યમુના નદી ખતરાના સ્તરથી ઉપર વહી રહી છે. દિલ્હીમાં યમુના નદીના કાંઠે રહેતા લોકોને રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. આગામી થોડા દિવસોમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે કેટલાક રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતના જૂનાગઢ અને નવસારીમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે અનેક ગાડીઓ અને પશુઓ વહી ગયા હતા. અમદાવાદ એરપોર્ટમાં પાણી ઘુસી ગયા હતા. NDRFની ટીમો ઘણા જિલ્લાઓમાં તૈનાત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સંપર્ક કર્યો છે. ગુજરાતમાં NDRFની ટીમોએ જૂનાગઢમાં બચાવ કામગીરી હાથ ધરી હતી.
મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ ચાલુ છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રના પાલઘર, થાણે અને રાયગઢ સહિત સાત જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. મધ્ય મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. દરમિયાન મંગળવારથી ગુરુવાર સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વરસાદ ચાલુ રહેશે. મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને કર્ણાટકમાં પણ વરસાદની શક્યતા છે.