નવી દિલ્હીઃ મોંઘવારીના મોરચે સામાન્ય માણસને રાહત મળી રહી છે. દેશનો છૂટક ફુગાવો 4.7 ટકાના 18 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. છૂટક ફુગાવાના દરમાં ઘટાડો મુખ્યત્વે ખાદ્ય પદાર્થ ના ભાવમાં ઘટાડાને કારણે છે. સતત બીજા મહિને ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો આરબીઆઈના 6 ટકાના લક્ષ્યાંકથી નીચે રહ્યો છે. માર્ચમાં છૂટક ફુગાવાનો દર 5.66 ટકા હતો અને એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 7.79 ટકા હતો.
એપ્રિલમાં છૂટક ફુગાવો ઓક્ટોબર 2021 પછી સૌથી નીચો હતો. ત્યારે આ આંકડો 4.48 ટકા હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ અનુસાર એપ્રિલમાં ફૂડ બાસ્કેટ ફુગાવાનો દર 3.84 ટકા હતો. માર્ચ મહિનામાં આ દર 4.79 ટકા હતો અને એક વર્ષ પહેલા તે 8.31 ટકા હતો. અનાજ, દૂધ, ફળો અને શાકભાજીના ભાવમાં ઘટાડાને કારણે રિટેલ ફુગાવો ડિસેમ્બર 2022માં 5.7 ટકાથી વધીને ફેબ્રુઆરીમાં 6.4 ટકા થયો હતો. ગ્રામીણ અને શહેરી ફુગાવામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ફુગાવાના દરમાં ઘટાડાને કારણે રિઝર્વ બેન્ક રેપો રેટ પર હળવી નીતિનો ઉપયોગ પણ કરી શકે છે. છેલ્લી બેઠકમાં પણ આરબીઆઈએ દરમાં વધારો કર્યો ન હતો.