ભારત સરકાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે આવશ્યક ખાદ્યપદાર્થોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છેઃ પ્રહલાદ જોશી

કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ આજે અહીં રાજ્યકક્ષાના મંત્રી શ્રી બી.એલ. વર્મા અને શ્રીમતી. નિમુબેન જયંતિભાઈ બાંભણીયાની ઉપસ્થિતિમાં NCCF, NAFED અને કેન્દ્રીય ભંડારની મોબાઈલ વાનને ફ્લેગ ઓફ કરીને દિલ્હી-NCRમાં ભારત ચણા દાળ ફેઝ – IIના છૂટક વેચાણનો શુભારંભ કર્યો.

ભારત ચણા દાળના બીજા તબક્કામાં, ભાવ સ્થિરીકરણ બફરમાંથી 3 લાખ ટન ચણાના સ્ટોકને ચણા દાળ અને આખા ચણા રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે, કે જેથી ગ્રાહકોને છૂટક વેચાણ માટે અનુક્રમે 70 રૂપિયા પ્રતિ કિલો અને 58 રૂપિયા પ્રતિ કિલોના MRP પર મળી શકે. ચણા ઉપરાંત, સરકારે ભારત બ્રાન્ડને મગની દાળ અને મસુર દાળમાં પણ વિસ્તારી હતી. ભારત મગ દાળ 107 રૂપિયા પ્રતિ કિલો, ભારત આખા મગ 93 રૂપિયા પ્રતિ કિલો અને ભારત મસુર દાળ 89 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આ સમયે ભારત ચણા દાળ ફરી શરૂ થવાથી આ તહેવારોની સિઝનમાં દિલ્હી-એનસીઆરના ગ્રાહકોને સપ્લાયમાં વધારો થશે.

કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતી વખતે, શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ પહેલ ગ્રાહકોને પોષણક્ષમ ભાવે આવશ્યક ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ છે. ચોખા, લોટ, દાળ અને ડુંગળી જેવી મૂળભૂત ખાદ્ય ચીજોના છૂટક વેચાણ દ્વારા સીધા હસ્તક્ષેપથી પણ સ્થિર ભાવ શાસન જાળવવામાં મદદ મળી છે.

કઠોળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રએ વિવિધ નીતિગત પગલાં લીધાં છે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે, સરકારે કઠોળના એમએસપીમાં વર્ષ-દર વર્ષે વધારો કર્યો છે, અને 2024-25 સીઝન માટે કોઈ સીમા વગર તુવેર, અડદ અને મસુરની ખરીદી કરવાની નીતિની પણ જાહેરાત કરી છે. ખરીફ 2024-25ની સીઝન દરમિયાન NCCF અને NAFED દ્વારા સુનિશ્ચિત ખરીદી માટે જાગરૂકતા અભિયાનો, બિયારણનું વિતરણ અને ખેડૂતોની પૂર્વ નોંધણી હાથ ધરી હતી અને આગામી રવિ વાવણીની મોસમમાં પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી રહી છે. સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને સીમલેસ આયાતની સુવિધા માટે, સરકારે 31મી માર્ચ, 2025 સુધી તુવેર, અડદ, મસુર અને ચણાની ડ્યૂટી ફ્રી આયાત અને 31મી ડિસેમ્બર, 2024 સુધી પીળા વટાણાની આયાતને મંજૂરી આપી છે. આ વર્ષે ખરીફ કઠોળના વિસ્તારના કવરેજમાં વધારો થયો છે. આયાતના સતત પ્રવાહને કારણે જુલાઈ, 2024થી મોટા ભાગની કઠોળના ભાવમાં ઘટાડો થવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં તુવેર દાળ, અડદની દાળ, મગ દાળ અને મસુર દાળના છૂટક ભાવ કાં તો ઘટ્યા છે અથવા સ્થિર રહ્યા છે.

શાકભાજીના સંદર્ભમાં, સરકારે NCCF અને NAFED દ્વારા ભાવ સ્થિરતા બફર માટે રવિ પાકમાંથી 4.7 લાખ ટન ડુંગળીની ખરીદી કરી હતી. સરકારે 5 સપ્ટેમ્બર, 2024થી બફરથી ડુંગળીનો નિકાલ શરૂ કર્યો હતો અને અત્યાર સુધીમાં 1.15 લાખ ટનનો નિકાલ કરવામાં આવ્યો છે. NCCF એ 21 રાજ્યોમાં 77 કેન્દ્રોમાં અને NAFEDએ 16 રાજ્યોમાં 43 કેન્દ્રોમાં ડુંગળીનો નિકાલ કર્યો છે. નિકાલની ગતિ વધારવા માટે પહેલી વખત રેલવે રેક દ્વારા ડુંગળીના જથ્થાબંધ પરિવહનને અપનાવવામાં આવ્યું છે. NCCF એ 1,600 MT (42 BCN વેગન એટલે કે આશરે 53 ટ્રક) નાસિકથી કાંડા એક્સપ્રેસ દ્વારા પરિવહન કર્યું હતું જે 20 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હી આવી હતી. NAFED એ 800 – 840 MT ડુંગળીના પરિવહનની પણ વ્યવસ્થા કરી છે. ચેન્નાઈ જવા માટેની રેલ રેક 22મી ઓક્ટોબર, 2024ના રોજ નાસિકથી નીકળી છે.

NCCF દ્વારા લખનઉ અને વારાણસી માટે રેલ રેક દ્વારા શિપમેન્ટ માટે ઇન્ડેન્ટ મૂકવામાં આવ્યા છે. ઉપભોક્તા બાબતોના વિભાગે ભારતીય રેલવેને નાસિકથી ઉત્તર-પૂર્વીય પ્રદેશમાં બહુવિધ સ્થળોએ ડુંગળીના રેકના પરિવહનની મંજૂરી આપવા માટે પણ વિનંતી કરી છે જેમાં (i) NJP: ન્યૂ જલપાઈગુડી (સિલીગુડી), (ii) DBRG- ડિબ્રુગઢ, (iii) ) NTSK- ન્યૂ તિન્સુકિયા, અને (iv) CGS: ચાંગસારી સામેલ થશે. આનાથી ભારતના વિવિધ પ્રદેશોમાં ડુંગળીની વ્યાપક ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે અને ગ્રાહકોને તેની ખૂબ જ વાજબી કિંમતે ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here