જો તમે આગામી સમયમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. જીએસટી કાઉન્સિલની 36મી બેઠકમાં ઈ-વ્હીકલ પર લગાવનારો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જો તમે ઈ-કાર ખરીદો છો, તો 10 લાખ રૂપિયાની કાર પર તમને અંદાજે 70 હજાર રૂપિયાનો ફાયદો થશે. હકીકતમાં, કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અને પ્રદૂષણના વધી રહેલા સ્તરને જોતા ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રમોટ કરી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ટેક્સ ઓછું કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 1 ઓગસ્ટથી લાગુ થશે.
ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જર પર પણ જીએસટી ઘટાડ્યો
જીએસટી કાઉન્સિલની શનિવારે 36મી મીટિંગ યોજાઈ હતી. જેમાં જાહેર કરાયું કે, ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જર પર પણ જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યું છે. બેઠક ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ હતી. જે મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન યોજાયેલી બીજી બેઠક હતી. આ પહેલા 21 જૂનના રોજ જીએસટી કાઉન્સિલની 35મી બેઠકમાં ઈ-વ્હીકલ પર જીએસટી ઘટાડાનો મુદ્દો ફિટમેન્ટ કમિટીમાં મોકલવામાં આવ્યો હતો. આ કમિટી તરફથી ટેક્સ ઘટાડવાના મુદ્દા પર સહમતિ આપવામાં આવી હતી.
ટોલ ટેક્સ અને પાર્કિંગ પણ ફ્રી હશે
ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર પાર્કિંગ ફ્રી અને ટોલ ટેક્સ ન લેવાનાની રૂપરેખા પર કામ કરી રહી છે. 5 જુલાઈના રોજ રજૂ થયેલા સામાન્ય બજેટમાં ફાઈનાન્સ મંત્રીએ ઈ-વ્હીકલ ખરીદવા પર 1.5 લાખની વધારાની થૂટ આપવાની જાહેરાત કરી હતી. આ પહેલા 21 જૂનના રોજ યોજાયેલી જીએસટી કાઉન્સિલની 35મી બેઠકમાં ઈ-વ્હીકલ પર જીએસટી ઘટાડાનો મુદ્દો રેટ ફિટમેન્ટ કમિટીને મોકલવામાં આવ્યો હતો. આ કમિટી તરફથી ટેક્સ ઘટાડવાના મુદ્દા પર સહમતી આપવામાં આવી છે.
રાજ્યોને પણ કહેવામાં આવ્યું છે કે, ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે મફત પાર્કિંગ ઉપરાંત મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, ઓફિસ, રેસિડેન્શિયલ કોલોનીમાં 10 ટકા પાર્કિંગ આરક્ષિત રાખવાનું રહેશે. આ વાહનો માટે ટોલ ટેક્સ પણ મફત રાખવામાં આવશે. સૂત્રો અનુસાર, પરિષદની 36મી બેઠકમાં સૌર ઉર્જા ઉત્પાદક પ્રણાલીઓ તેમજ વિન્ડ ટર્બાઈન પરિયોજનાઓ પર જીએસટી લગાવવાના મામલે તેમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યાંકનના વિષયમાં પણ નિર્ણય લેવામાં આવશે.