અમદાવાદ: મંદ પડી ગયેલી માંડવી શુગર કો-ઓપરેટિવ સોસાયટીને “ખાનગી હાથમાં જતી” બચાવવાના પ્રયાસરૂપે, પર્યાવરણ અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલની આગેવાની હેઠળનું એક પ્રતિનિધિમંડળ અન્ય નેતાઓ સાથે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને મળ્યું અને રજૂઆત કરી હતી.
પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે ગુજરાતમાં શુગર કો-ઓપરેટિવ્સ ગુજરાત કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ, 1961 મુજબ ચલાવવામાં આવે છે. ઉપરાંત, બેંક SARFAESI કાયદા હેઠળ કોઈપણ અન્ય ખાનગી પક્ષને અસ્કયામતો અને મશીનરીનું સીધું વેચાણ અથવા હરાજી કરી શકતી નથી. પ્રતિનિધિમંડળે એવી પણ માગણી કરી હતી કે રાજ્ય સરકાર માંડવી શુગરનું IEM (ઔદ્યોગિક સાહસિક મેમોરેન્ડમ) કે જે ફેક્ટરી ચલાવવાનું લાઇસન્સ છે, તે જુન્નર શુગર લિમિટેડને ટ્રાન્સફર ન કરે.
મંત્રી પટેલે ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ને જણાવ્યું કે, અમે રાજ્યકક્ષાના મંત્રી અને મુખ્યમંત્રીને મેમોરેન્ડમ આપીને માંડવી સુગરનો મુદ્દો રજૂ કર્યો છે. મંત્રી વિશ્વકર્માએ અમને આશ્વાસન પણ આપ્યું છે કે, મામલાના કાયદાકીય પાસાઓને ધ્યાનમાં લઈને ખેડૂતોની તરફેણમાં નિર્ણય લેવામાં આવશે. પટેલ સાથે સુરતની ચોર્યાસી બેઠકના ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ હાજર હતા. દેસાઈ ચલથાણ શુગર કોઓપરેટિવ સોસાયટીના ડાયરેક્ટર પણ છે. તેમની સાથે દક્ષિણ ગુજરાતની સાત ખાંડ સહકારી મંડળીના પ્રમુખો પણ હાજર રહ્યા હતા.
માંડવી શુગર બચાવો કિસાન સમિતિના પ્રમુખ શર્માએ જણાવ્યું હતું કે માંડવી શુગર મિલ 2015માં શરૂ થઈ હતી અને 2017માં બંધ થઈ ગઈ હતી. આ સહકારી મંડળીના 55 હજાર સભ્યો છે, જેમની પાસેથી માંડવી સુગરનું કુલ 23.87 કરોડનું દેવું વસૂલવાનું છે. વડોદ ગામમાં મિલ સ્થાપવા માટે, ખેડૂતોએ એક સંગઠન બનાવ્યું, પૈસા આપ્યા અને રાજ્ય સરકાર પાસેથી 20 કરોડની લોન લીધી. આ ઉપરાંત મિલના બાંધકામ અને મશીનરી ખરીદવા અને મિલ ચલાવવા માટે ખેડૂતોના સંગઠને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ વિવિધ બેંકો પાસેથી રૂ. 94.10 કરોડની લોન લીધી હતી.